પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી અને બાદમાં મહિલા માટે મેયર પદ અનામત, વાંધા સૂચન મંગાવાયામોરબી : મોરબી શહેરને નગરપાલિકામાંથી મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ નવુ સીમાંકન અને વોર્ડ રચના જાહેર થયા બાદ શહેરી વિકાસ વિભાગ દ્વારા મેયરપદ માટેનું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. રોટેશન મુજબ પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી અને પછીના અઢી વર્ષ માટે મહિલા અનામત જાહેર કરી વાંધાસુચન મંગાવવામાં આવ્યા છે. રોટેશન જાહેર થતા હવે ટૂંક સમયમાં ચૂંટણી જાહેર થવાની શકયતા જોવાઇ રહી છે.રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા 1લી જાન્યુઆરીના રોજ મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ શહેરની નવી વોર્ડ રચના અને નવું સીમાંકન અમલી બનાવી તમામ વોર્ડ માટે રોટેશન મુજબ અનામત બેઠકો જાહેર કરી દેવામાં આવ્યા બાદ હવે શહેરી વિકાસ વિભાગે નિયમોનુસાર મેયર પદ માટેનું રોટેશન જાહેર કર્યું છે. રોટેશન મુજબ મોરબી મહાનગર પાલિકાના મેયર માટે પ્રથમ અઢી વર્ષ પછાતવર્ગ એટલે કે, ઓબીસી અનામતને ફાળે તેમજ પછીના અઢી વર્ષ મહિલા માટે અનામત જાહેર કરવામાં આવ્યું છે.શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી સહિતની મહાનગર પાલિકાઓમાં મેયર પદ માટેના રોટેશન જાહેર કરી તમામ મહાનગર પાલિકા વિસ્તારમાંથી નવા મેયર પદ માટેના રોટેશન અંગે જો કોઈને વાંધા સૂચન કરવા હોય તો સમયમર્યાદામાં વાંધાસૂચન રજૂ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. બીજી તરફ સરકારની તૈયારીઓ જોતા ટૂંક સમયમા જ મોરબી સહિત તમામ નવી મહાનગર પાલિકાઓ અને જૂની જે જે મહાનગર પાલિકાની મુદત પૂર્ણ થઈ રહી છે તે તમામ કોર્પોરેશનની ચૂંટણી ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે.