રોડ, પાણી, ગટર સહિતના પ્રશ્ને સ્થાનિકોએ વિચિત્ર રીતે વિરોધ નોંધાવ્યો : હજુ જો સુવિધા નહીં મળે તો વિરોધ યથાવત રાખવાનું એલાનમોરબી : ઘૂંટુ ગ્રામ પંચાયતમાં આવતી રામકો વિલેજ સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી વિકાસના કામો કરવામાં આવ્યા ન હોય અને પાયાની સુવિધાઓ મળતી ન હોય સોસાયટીના લોકો દ્વારા કીચડ રમતોત્સવ યોજીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિક હિતુભા રાઠોડે જણાવ્યું કે આ વિસ્તારમાં અંદાજે 700થી વધુ પરિવારો રહે છે. છેલ્લા 4 વર્ષથી આ વિસ્તારની હાલત અત્યંત ભયાનક બની છે. રોડ, પાણી કે ગટરની કોઈ સુવિધા આ વિસ્તારને મળી નથી. સરપંચને રજુઆત કરતા તેઓએ ઉદ્ધતાઇથી જવાબ આપ્યા છે. નેતાઓ અને અધિકારીઓને અનેક રજૂઆતો કરી છે છતાં કોઈ પરિણામ મળ્યા નથી. તેઓએ ઉમેર્યું કે આજે ધારાસભ્યનો જન્મદિવસ હોય અમે અહીં કીચડમાં રમતોત્સવ યોજીને તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવાની સાથે અનોખી રિતે વિરોધ કર્યો છે. હજુ પણ જો આ વિસ્તારને સુવિધા આપવામાં નહિ આવે તો આવનારા દિવસોમાં આવા વિરોધ કાર્યક્રમ ચાલુ જ રાખવામાં આવશે.