હળવદ: 'દુનિયામાં દેહ દાનથી ઉત્તમ કોઈ દાન નથી' આ પંક્તિને સાર્થક કરતા એક પ્રેરણાદાયી કદમમાં, હળવદના જીગ્નેશભાઈ વિરજીભાઈ કણઝરિયા (તિરંગા મોબાઈલ હળવદ) એ પોતાના જન્મદિવસ નિમિત્તે દેહદાન અને અંગદાન કરવાનો ઉત્તમ સંકલ્પ કર્યો છે. મૃત્યુ પછી પણ તેમનું આ પંચ મહાભૂતનું શરીર અન્ય જરૂરિયાતમંદોના જીવનમાં પ્રકાશ પાથરે અને તબીબી શિક્ષણ તથા સંશોધનમાં ઉપયોગી બને, તેવા ઉમદા હેતુથી તેમણે આ મહાદાનનો નિર્ણય લીધો છે.જિગ્નેશભાઈ કણઝરિયાએ પોતાના જન્મદિવસને માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખતા, તેને માનવતાના કાર્ય સાથે જોડીને સમાજ માટે એક નવો દાખલો બેસાડ્યો છે. તેમણે મૃત્યુ બાદ લીવર, કિડની, હૃદય, ફેફસા, આંતરડા અને સ્વાદુપિંડ જેવા મહત્ત્વના અંગોના દાન માટે સંકલ્પ કર્યો છે. આ અંગોનું દાન જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતા અનેક દર્દીઓ માટે આશાનું કિરણ બની રહેશે. જિગ્નેશભાઈ કણઝરિયાના આ પ્રેરણાદાયી નિર્ણય બદલ તેમના જન્મદિવસ નિમિત્તે અઢળક અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે.