ક્યારેક વાહનો પલ્ટી મારે છે તો ક્યારેક ટાયર ફસાઈ જાય છે : તંત્રના ખાડા પુરવાના દાવાઓ પોકળ : આ ખાડાઓ કોઈનો જીવ લ્યે તે પહેલા તેને બુરવા જોઈએમોરબી : મોરબી-માળિયા નેશનલ હાઈવેની છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલત છે. આ રોડ ઉપર જીવલેણ ખાડાઓ હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. જો હજુ પણ કોઈ કામગીરી કરવામાં ન આવી તો અકસ્માતના કારણે કોઈકનો જીવ જશે. મોરબી-માળિયા નેશનલ હાઇવે ઉપર મોટી સંખ્યામાં દરરોજ વાહનોની અવરજવર રહે છે. પણ આ રોડની અતિ બિસ્માર હાલત હોવાથી દરરોજ ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. રોડ ઉપર અનેક જગ્યાએ મસમોટા ખાડાઓ છે. મોરબીની રવિરાજ ચોકડી પાસે પુલ ઉતરતા જ આખા ટાયર અંદર સમાઈ જાય તેટલા મોટા ખાડા છે. આ ઉપરાંત ચોકડીથી આગળ પણ અનેક જગ્યાએ બિસ્માર રોડ છે. અહીં દરરોજ છાસવારે અકસ્માત સર્જાઈ છે. ક્યારેક વાહન પલ્ટી મારે છે. તો ક્યારેક કોઈ વાહનના ટાયર ફસાઈ જાય છે. હાઇવે ઓથોરિટી ખાડા બુરવાના દાવાઓ કરે છે તે આ હાઈવેની સ્થિતિ જોઈને પોકળ હોય તેવું લાગી રહ્યું છે. જો આ રોડમાં ખાડા બુરવાની કામગીરી કરવામાં નહિ આવે તો કોઈનો જીવ પણ જઈ શકે છે. માટે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.