ગેઝેટમાં જેતપર, પીલુડી, ગાળા સહિતના મોરબી તાલુકાના 10 ગામોને માળિયા તાલુકાના દર્શાવાયા : કોંગ્રેસ આગેવાનોએ કંપનીના અધિકારીઓને સમજાવી ગેઝેટમાં સુધારો કર્યા બાદ જ કામ શરૂ કરવાની માંગ કરીમોરબી : મોરબીના પીલુડી ગામે આજે હેવી વીજલાઈન નાખવાના કામ સામે કોંગ્રેસ અને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વીજ લાઈન નાખવાના કામનું જે ગેઝેટ પ્રસિદ્ધ થયું છે. તેમાં મોરબીના અનેક ગામોને માળિયાના દર્શાવાયા છે. કોંગ્રેસ અને ખેડૂતોની માંગ છે કે પહેલા ગેઝેટ સુધારવામાં આવે. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની આગેવાનીમાં કોંગ્રેસ આગેવાનો અને ખેડૂતોની ઉપસ્થિતિમાં પીલુડી ગામે વીજ લાઈનના કામ સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેઓના જણાવ્યા અનુસાર ખાનગી કંપની દ્વારા ગેઝેટમાં બહાદુરગઢ, નવા નાગડાવાસ (મધુપુર), નવા નાગડાવાસ, રામપુર, જેતપર, પીલુડી, ગાળા, વાઘપર, સોખડા, કિશનગઢ આ ગામોને માળિયા મિયાણા તાલુકામાં દર્શાવાયા છે. હકીકતમાં આ ગામો મોરબી તાલુકામાં આવે છે. જ્યાં સુધી ગેઝેટમાં સુધારો નહિ થાય ત્યાં સુધી કામ શરૂ કરવા દેવામાં આવશે નહિ. આ અંગે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચીખલીયાએ જણાવ્યું કે હળવદ ટ્રાન્સમિશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જે લાઈન નીકળી છે તેમાં અનેક ગામોને રેકોર્ડ ઉપર માળિયા તાલુકાના ગામો બતાવ્યા છે. હકીકતના તે મોરબી તાલુકાના ગામો છે. ખેડૂતોએ કલેકટરને પણ રેકોર્ડ સુધારી આપવા રજુઆત કરી હતી. પરંતુ આજ દિન સુધી રેકોર્ડમાં સુધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ બે દિવસથી કંપની વાળા કામ કરવા આવી રહ્યા છે. એટલે અમારૂ કહેવાનું માત્ર એટલું જ છે કે પહેલા રેકોર્ડમાં સુધારો કરો, બાદમાં કામ કરવા આવજો. જો આવનારા સમયમાં આ પ્રશ્ન નહિ ઉકેલાય તો કોંગ્રેસ ખેડૂતોના ન્યાય માટે જે મોરચો શરૂ કરવો પડે તે શરૂ કરવા તૈયાર છે. પીલુડીના ખાતેદાર રામદેવસિંહ જાડેજાએ જણાવ્યું કે કંપની વાળા કામ કરવા માટે આવ્યા છે. તેમાં સર્વે નંબર માળિયા તાલુકાનો છે. અમે તો મોરબીમાં આવીએ છીએ. ગેઝેટમાં સુધારો કરવામાં આવે તેવી અમારી માંગ છે. જેતપરના ખાતેદાર લાભુભાઈએ જણાવ્યું કે ગેઝેટમાં જેતપર ગામને મોરબી તાલુકાનું દર્શાવવામાં આવે, ત્યારબાદ જ અમે ચર્ચા કરવા તૈયાર થશુ. છતાં પણ જોહુકમી કરી ખેતરમાં પ્રવેશ કરે છે તે ગેરકાયદેસર છે. કલેકટરની જે નોટિસ આવી છે તેને અમે અમાન્ય ગણી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. શરીરમાં જ્યાં સુધી લોહીનું ટીપું છે ત્યાં સુધી અમે જમીન માટે લડી લેવા તૈયાર છીએ. એડવોકેટે દિપક પરમારે જણાવ્યું કે કંપની દ્વારા ખેતરોમાં બળજબરીથી પ્રવેશ કરી વીજલાઈન નાખવાની અને પોલ ઉભા કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે તેવી અમને જાણ થતાં જ કિશોરભાઈ ચીખલીયાની આગેવાનીમાં ઉપસ્થિત રહ્યા છીએ. અમે કંપનીના જવાબદાર અધિકારીઓને હકીકત જણાવી છે તેઓ ગેઝેટમાં સુધારો કરાવે તેવી માંગ મૂકી છે. કલેકટરના હુકમ અને ગેઝેટને અમે હાઇકોર્ટમાં ચેલેન્જ કર્યો છે. આ દરમિયાન રાતોરાત ખેતરોમાં વીજ પોલ ઉભા કરી ખેડૂતોની જમીન ઝૂંટવી લેવાનો જે પ્રયત્ન થાય છે તે યોગ્ય નથી.