મોરબીમાં 1945માં સંઘના બીજના વાવેતર થયા મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંગઠન વિજયા દશમીના દિવસે પોતાની સફરના 100 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે મોરબીના સંઘ કાર્યને પણ 80 વર્ષ જેટલો સમય વીતી ગયેલ છે. ઈ.સ. 1945-46 માં મંગલ પ્રભાત, જડેશ્વર પ્રભાત, મહાવીર સાયં, પ્રભાત રાત્રી જેવી અનેક શાખાઓની શુભ શરૂઆત મોરબી અને આસપાસના ગામોમાં થઈ હતી. ખાસ કરીને મોરબી હોનારત અને ભૂકંપ જેવી કુદરતી આપદાઓ સમયે તેમજ નિરંતર પણે સંઘ દ્વારા સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે.હાલમાં મોરબી જિલ્લામાં આરએસએસના 5000 જેટલા કાર્યકર્તાઓ સક્રિય પણે કામગીરી કરી રહ્યા છે અને જિલ્લામાં નિયમિત રીતે 35 શાખાઓ પણ લાગી રહી છે.વર્ષ 1945-46માં સંઘના સ્થાપના સમયે 100થી 200 જેટલા કાર્યકરો હતા, જો કે, આજે જિલ્લામાં 5000 જેટલા સ્વયંસેવકો ખભેખભા મિલાવી કામ કરી રહ્યા છે. સંઘના સ્થાપના સમયે વનેચંદભાઈ સોમૈયા, પૂનમચંદભાઈ કોટક, પ્રતાપભાઇ રાચ્છ, સુરેન્દ્રભાઈ બારજીયા, પ્રવિણભાઇ બારાજીયા, દેવચંદભાઈ કાનાબાર, બાબુભાઈ વડગામા, મોહનભાઈ સોનગરા, ગોવિંદભાઈ કંઝારિયા જેવા અનેક સ્વયંસેવકો શાખામાં જોડાઈને કાર્યકર્તા બન્યા હતા. મચ્છુ જળ હોનારત, કચ્છનો ભૂકંપ હોય કે ઝુલતાપુલ દુર્ઘટના હોય સંઘના સ્વયંસેવકો ખભેખભો મિલાવીને પોતાની નૈતિક ફરજના ભાગરૂપે નાગરિક કર્તવ્યનું શબ્દશઃ પાલન કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે ઈ.સ 2025માં મોરબીનું સંઘ કાર્ય એક નાના બીજમાંથી મોટા વટવૃક્ષ જેવું બની પોતાની છાયામાં આશરે 35 જેટલા સ્થાનો પર શાખાના માધ્યમથી હિન્દુ સંગઠન, સમાજ સમરસતા દ્વારા રાષ્ટ્રને પુનઃ પરમ વૈભવના શિખરે લઈ જવા માટે કાર્યરત છે. મોરબીમાં આરએસએસની શરૂઆત બાદ સંઘની સમ વૈચારિક સંગઠન પણ શરૂ થયા. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, વિદ્યાભારતી, ભારતીય મજદૂર સંઘ, ભારતીય કિશાનસંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભારતીય જનસંઘ, જેવા પ્રમુખ સંગઠનોના નામો ઉલ્લેખ કરી શકાય.આજે મોરબી માં આશરે 14 જેટલા સંગઠનો સક્રિયતાથી કાર્યરત છે. આ બધા દ્વારા રાષ્ટ્રભક્તિ માટે રમણીકભાઇ સવસાણી, રામનારાયણભાઇ દવે,રવજીભાઈ સોનગરા, ભીમજીભાઈ ભાલોડિયા, પરમાનંદભાઈ જેસવાણી, ગોવિંદભાઈ ડાભી, જેવા અનેક નામી અનામી રાષ્ટ્રભક્તોએ સમાજમાં સેવા સંગઠનના માધ્યમથી સ્વદેશી, સામાજિક સમરસત્વ જેવા ગુણોનો વિકાસ સમગ્ર સમાજમાં લાવીને સમાજ પરિવર્તનમાં મહત્વપૂર્ણ યોગદાન આપેલ છે.સાથે જ મોરબીના ડૉ. જયંતીભાઈ ભાડેશિયા પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકનું દાયિત્વ નિભાવી રહ્યા છે તેમજ અશ્વિનભાઇ કડેચા જેવા પ્રચારક પણ મોરબીએ જ આપ્યા છે.