વરસાદના વિઘ્ન વચ્ચે પણ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ મોટી સંખ્યામાં જોડાયો મોરબી: મોરબી જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા રાજપૂત સમાજના મહામંત્રી મહાવીરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અને પ્રમુખ દશરથસિંહ ઝાલાની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ જોડાયો હતો.આ શસ્ત્ર પૂજનનું આયોજન મોરબી ન્યૂ પેલેસ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા વિશાલાદિત્યસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. માતાજીના સાનિધ્યમાં, ખાસ કરીને મોમાઈ માતાજીના મંદિરે, ચાલુ વરસાદે આ ભવ્ય રેલી સ્વરૂપે શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું હતું, જેમાં વિશાળ સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા.સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજાએ શસ્ત્ર પૂજનના ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ વિશે જણાવ્યું હતું કે શસ્ત્ર પૂજન એ ક્ષત્રિય સમાજ માટે એક મહત્ત્વનો કાર્યક્રમ છે. મહાભારત કાળમાં, જ્યારે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ હતો, ત્યારે તેમણે પોતાના શસ્ત્રો શમી નામના વૃક્ષ (જેને હાલમાં ખીજડીનું વૃક્ષ કહેવાય છે) ની અંદર સંતાડ્યા હતા. વિજયાદશમીના દિવસે જ પાંડવોએ એ વૃક્ષમાંથી શસ્ત્રો પાછા મેળવીને વિરાટ રાજાના પશુઓનું રક્ષણ કર્યું હતું અને ત્યારબાદ શસ્ત્રનું પૂજન કર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ધાર્મિક દૃષ્ટિએ, વિજયાદશમી એટલે અસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજયનો દિવસ. ક્ષત્રિય સમાજ શાસ્ત્ર અને શસ્ત્ર બંનેને માનનારી જ્ઞાતિ છે, તેથી આ પર્વ તેમના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વરસાદ ચાલુ હોવા છતાં, શસ્ત્ર પૂજનની રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જે સમાજની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક હતું.