ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ: હવામાન નિષ્ણાત રમેશ બસિયાટંકારા : ટંકારાના નાના ખીજડીયાના હવામાન નિષ્ણાત રમેશ બસિયાએ મોરબી જિલ્લામાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેઓના જણાવ્યા પ્રમાણે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં રચાયેલી વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના દરિયાકાંઠેથી દૂર ગતિ કરી રહી છે, પરંતુ આગામી 24 કલાક સુધી તેની અસરથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને, મોરબી અને રાજકોટ જિલ્લામાં આજે ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.હવામાન નિષ્ણાત રમેશ બસિયાએ જણાવ્યું હતું કે, નવલખી, માળિયા, આમરણ, મોરબી અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં 25 મી.મી. જેટલો વરસાદ નોંધાઈ શકે છે. આવતીકાલથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે, પરંતુ 5 ઓક્ટોબરથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. આનું કારણ બંગાળની ખાડીમાં રચાયેલી એક મજબૂત હવામાન સિસ્ટમ છે, જે ઉત્તર ભારત તરફ ગતિ કરશે. જોકે, આ સિસ્ટમની ગુજરાત પર સીધી અસર નહીં થાય. આ ઉપરાંત, 5 કે 6 ઓક્ટોબરની આસપાસ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી પસાર થશે, જેનો ટ્રફ અરબી સમુદ્ર સુધી લંબાશે. આ સાથે, હાલની અરબી સમુદ્રની સિસ્ટમ નબળી પડી ગઈ હશે, પરંતુ તે ફરીથી ગુજરાતની નજીક આવી શકે છે.આ બધી હવામાન પરિસ્થિતિઓને કારણે 5થી 8 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જોકે, હવામાનની આગાહીમાં ફેરફારની શક્યતાને ધ્યાનમાં રાખીને, 5 ઓક્ટોબરે ફરીથી અપડેટ આપવામાં આવશે.