મોરબી : મોરબીના મહેન્દ્રનગરના મોક્ષધામમાં આજ રોજ વિજ્યાદશમીના પર્વ નિમિત્તે પ્રાર્થના હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હંસરાજભાઈ જેરામભાઈ કૈલાની પ્રેરણાથી તેમના પુત્ર જીગ્નેશભાઈ કૈલાના આર્થિક સહયોગથી મહેન્દ્રનગરના મોક્ષધામમાં પ્રાર્થના હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આજે આ પ્રાર્થના હોલનું લોકાર્પણ કરાયું હતું.આજે તારીખ 2 ઓક્ટોબરના ને ગુરુવારે વિજ્યાદશમીના દિવસે નકલંકધામ બગથળાના મહંત દામજીભગત તથા રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના હસ્તે પ્રાર્થના હોલનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગ નિમિત્તે વિશાળ સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં જીજ્ઞેશભાઈ કૈલાએ પોતાની જન્મ ભૂમિ અને કર્મભૂમિ પ્રત્યે ઋણ અદા કરવાની વાત કરી હતી અને જીજ્ઞેશભાઈ કૈલાના રૂપિયા 17,51,000ના આર્થિક માતબર દાનથી મહેન્દ્રનગરના મોક્ષધામમાં આધુનિક પ્રાર્થના હોલના લોકાર્પણથી ગ્રામજનોએ ખુશીઓની લાગણી સાથે આભાર વ્યક્ત કર્યો હતો.