ત્રણ દિવસની અંદર બે વાર વેરા લેવાની કાર્યવાહી બંધ કરવા, તમામ ખોટા વેરાનો સર્વે કરીને પરત કરવા અને આ અરજીનો તા. 10-10-2025 સુધીમાં નિકાલ કરવા અપીલ : નિકાલ નહીં થાય તો મીડિયા સમક્ષ કમિશનર સાથે ડિબેટ કરવાની ચીમકી ઉચ્ચારી મોરબી: મોરબી જિલ્લા લીગલ સેલ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાવિન ફેફર દ્વારા મોરબી મહાપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને એક જ મિલકતના બે વાર વેરા મહાનગરપાલિકા દ્વારા વસૂલવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે આ કાર્યવાહી બંધ કરવા અને અત્યાર સુધી જનતા પાસેથી લેવાયેલા વધારાના વેરા પરત કરવાની માંગ કરી છે.ભાવિન ફેફરે જણાવ્યું કે, એક મિલકત (આકારણી નં. 101313/4986)ના કુલ ક્ષેત્રફળ 5959.67 ચો.મી. પરનો સંપૂર્ણ વેરો તા. 31-3-2026 સુધીનો મહાનગરપાલિકાએ અગાઉ વસૂલી લીધો છે. જોકે, જ્યારે આ કુલ ક્ષેત્રફળમાંથી 1951.67 ચો.મી. જગ્યાનું વેચાણ અન્ય વ્યક્તિ (ડેલીવાળા ભવાનભાઈ લલ્લુભાઈ વગેરે)ને કરવામાં આવ્યું, ત્યારે મહાપાલિકાએ ખરીદનાર પાસેથી નામ ટ્રાન્સફર ફી રૂ. 5000 વસૂલી તેમજ તે જ વર્ષ 2025-2026ના પૈકી ભાગના બીજી વાર મિલકત વેરા તરીકે રૂ. 18444/- પણ વસૂલ્યા.આ રીતે, એક જ જગ્યાના એક જ વર્ષમાં બે વખત વેરા લેવાયા હોવાનો તેમનો દાવો છે. તેમણે કમિશનર પાસેથી કાયદાની જોગવાઈ હેઠળ આ પ્રશ્નનો લેખિત જવાબ માંગ્યો છે. તેમજ ફેફરે આ રજૂઆત ખોટી સાબિત થાય તો અધિકારીઓ સાથે મીડિયા સમક્ષ લાઇવ ડિબેટ કરવાની તૈયારી બતાવી છે.તેમણે મહાપાલિકાને ત્રણ દિવસની અંદર બે વાર વેરા લેવાની કાર્યવાહી બંધ કરવા, મોરબીની જનતા પાસેથી મેળવેલ તમામ ખોટા વેરાનો સર્વે કરીને પરત કરવા અને આ અરજીનો તા. 10-10-2025 સુધીમાં નિકાલ કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. જો નિકાલ નહીં થાય, તો તેઓ મીડિયા સાથે ડિબેટ માટે કમિશનર પાસે આવશે, તેમ રજૂઆતમાં જણાવ્યું છે. અગાઉ આ મામલે હાઉસ ટેક્સ વિભાગના અધિકારી દલસુખભાઈ અને નાયબ કમિશનર સોનીને દસથી પંદર વખત મૌખિક રજૂઆત કરાઈ હોવા છતાં ધ્યાન ન લેવાતા લેખિત રજૂઆત કરવાની ફરજ પડી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.