ટંકારા : ટંકારાના નાના ખીજડીયા ગામના હવામાન નિષ્ણાત રમેશ બસિયાએ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. રમેશ બસિયાના જણાવ્યા પ્રમાણે આજે મોરબી જિલ્લામાં હળવા ઝાપટાં પડવાની શક્યતા છે જ્યારે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રમેશ બસિયાના જણાવ્યા અનુસાર, હાલમાં સૌરાષ્ટ્ર અને ગલ્ફ ઓફ કચ્છની આસપાસ સ્થિર લો-પ્રેશર સિસ્ટમ આજે આખર તારીખે સાંજ સુધીમાં પશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં પહોંચશે. આ સિસ્ટમ આગામી સમયમાં વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાશે, જેના પરિણામે સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના છે. આ હવામાન સિસ્ટમની અસરથી દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છના ગલ્ફ ઓફ કચ્છની નજીકના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, રાજકોટ અને મોરબી જિલ્લામાં પણ આગામી ત્રણ દિવસ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે 30 સપ્ટેમ્બરના રોજ રાજકોટ અને મોરબી જિલ્લાના કેટલાક મર્યાદિત વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.