મોરબી : મોરબીની જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ ટી.ડી. પટેલ સંચાલિત ઓમ શાંતિ શાળામાં આજ રોજ અનોખો અને જ્ઞાનવર્ધક કાર્યક્રમ ઉડાન અંતરીક્ષ કી ઓર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના પરિસરમાં વિશેષ ડોમ થિયેટર સ્થાપવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ અંતરીક્ષની અજોડ માહિતી, ગ્રહ - ઉપગ્રહ, તારામંડળ તથા બ્રહ્માંડના રોચક દ્રશ્યો નિહાળ્યા. આ જીવંત અનુભવે વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે નવી ઉત્સુકતા પેદા કરી હતી. આ કાર્યક્રમમાં ખાસ આકર્ષણ અવકાશયાત્રીઓ પોતાનો સ્પેસ શૂટ પહેરીને વિદ્યાર્થીઓ સાથે પરંપરાગત ગરબા રમીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આધુનિક વિજ્ઞાન અને ગુજરાતી સંસ્કૃતિનો આ અનોખો સંગમ સૌના હૃદયમાં અવિસ્મરણીય છાપ મૂકી ગયો હતો. શાળાના સંચાલકમંડળે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો હેતુ બાળકોને અંતરીક્ષ વિજ્ઞાન વિશે પ્રેરણા આપવા તથા નવીન ટેકનોલોજી સાથે સંસ્કૃતિનું સંકલન કરાવવાનો છે. વિદ્યાર્થીઓ તથા વાલીઓએ આ પ્રયાસની હર્ષભેર પ્રસંશા કરી. આવો કાર્યક્રમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પથદર્શક સાબિત થશે એવો વિશ્વાસ શાળાએ વ્યક્ત કર્યો હતો.