મોરબી : મોરબી જિલ્લાના લુણસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તારીખ 28-9-2025ના મેડિકલ કેમ્પનું આયોજન તથા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ ઝાલા, મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ ચેરમેનના પ્રતિનિધિ વાઘજીભાઈ ડાંગરોચા, ચતુરભાઈ મકવાણા પ્રમુખ ભાજપ, કીરીટભાઇ વસિયાણી તાલુકા પંચાયત સદસ્ય, ડાયાબાપા સરપંચ અને ગામના રાજકીય આગેવાનો તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબી પી. કે. શ્રીવાસ્તવ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ થતા CHC લુણસરના અધિક્ષક ડોક્ટર મિલન વડાવિયા તથા PHC પાડધરાના મેડિકલ ઓફિસર કે. એ. માથકિયા અને CHC-PHCનો તમામ સ્ટાફ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં GMERS મેડિકલ કોલેજ મોરબીના નિષ્ણાત મેડિકલ ટીમમાં સ્ત્રીરોગ, ઓર્થોપેડીક, બાળરોગ, દાંતના રોગ ફિઝિશિયન ડોક્ટર, ચામડીના રોગ અને કાન-નાક-ગળાના રોગના ડોકટરો દ્વારા સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં વિવિધ રોગના કુલ 323 દર્દીઓને સારવાર આપવામાં આવી છે અને બ્લડ ડોનેટ કેમ્પમાં 25 બોટલ બ્લડ દાતાઓ દ્વારા દાન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, મહિલાઓનું સ્વાસ્થ્ય અને સશકિતકરણ આપણા પરિવારો, સમુદાયો અને સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ માટે કેન્દ્ર સ્થાને છે. આ સંદર્ભ માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2025 દરમ્યાન 'સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન' નામનું આરોગ્ય અભિયાન હાથ ધરવામાં આવેલ છે. આ અભિયાનના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો.