મોરબીને લાંબા અંતરની ટ્રેન ફાળવાય અને ડેમુ ટ્રેન નિયમિત કરવામાં આવે તેવી રજૂઆતમોરબી : મોરબી શહેરમાં આવતીકાલે મંગળવારે સરદાર બાગનું લોકાર્પણ અને અન્ય ખાતમુહૂર્તના કાર્યક્રમમાં યોજાનાર છે. ત્યારે આ કાર્યક્રમમાં મોરબી-કચ્છના સાંસદ પણ ઉપસ્થિત રહેનાર છે, ત્યારે મોરબીના કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ સાંસદને મોરબીનો રેલવેનો પ્રશ્ન હલ કરવા રજૂઆત કરી છે.કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ જણાવ્યું છે કે, કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયાને મોરબીની જનતા વતી જણાવવા માગું છું કે, અનેક વખત મોરબીના રેલવેના પ્રશ્ન બાબતે આપને રજૂઆતો કરવામાં આવી છે, જેમાં મોરબીથી લાંબા અંતરની ટ્રેન ફાળવવામાં આવે. આ ઉપરાંત વાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી ડેમુ ટ્રેન અવારનવાર બંધ હોય છે તેને નિયમિત કરવામાં આવે. જેના કારણે મોરબીના મુસાફરોને અનેક પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવેના આ પ્રશ્નો બાબતે સાંસદને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ સાંસદોએ સરકારમાં કોઈ રજૂઆત કરી નથી. જો આ ટ્રેક ઉપર મોરબીમાં માલગાડી ચાલી શકતી હોય તો મુસાફરો માટે પેસેન્જર ટ્રેન કેમ નથી ચલાવવામાં આવતી ? કચ્છની પ્રજાને જો લાંબા અંતરની ટ્રેનની સુવિધા મળતી હોય તો મોરબીની પ્રજાને કેમ નહીં? મોરબીની પ્રજાએ પણ આપને મત આપ્યા છે. તો મોરબીને પણ લાંબા અંતરની ટ્રેન આપવામાં આવે અને ડેમુ ટ્રેન નિયમિત કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.