મોરબી સિરામિક એસો.પ્રમુખ મનોજભાઈ પટેલ અને નિલેશભાઈ જેતપરિયા સહિતના મિટિંગમાં જોડાયા : અનેક મંત્રીઓએ પણ બેઠકમાં સામેલ થઈને કર્યો મહત્વનો સંવાદમોરબી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સિરામિક સહિતના રાજ્યભરના એસોસિએશનોના હોદ્દેદારો સાથે ઓનલાઈન મિટિંગ કરવામાં આવી હતી. આ બેઠકમાં અનેક મંત્રીઓ અને ઉદ્યોગકારો જોડાયા હતા. જેમાં જીએસટી અને સ્વદેશી પ્રોડક્ટને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી.ઉદ્યોગોની સ્થિતિ જાણવા તેમજ તેમની પાસેથી સૂચનો મેળવવા માટે આયોજિત આ બેઠકમાં મંત્રી બળવંતસિહ રાજપુત, કનુભાઇ દેસાઇ, હર્ષભાઇ સંઘવી, જગદીશભાઈ પંચાલ, રાજયના ઉચ્ચ અધિકારીઓ, રાજયની જીઆઇડીસીના હોદ્દેદારો, એસોસિએશનના હોદ્દેદારો જોડાયા હતા. આ બેઠકમાં મોરબીથી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ પટેલ તેમજ કેપેક્સિલના સિરામિક પેનલના વાઇસ ચેરમેન નિલેશભાઈ જેતપરિયા સહિતના જોડાયા હતા.આ બેઠકમાં જીએસટી 2.0 અને સ્વદેશી પ્રોડક્ટ વિશે ચર્ચા સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જેમા આવનાર સમયમા ગુજરાતના ઉદ્યોગોના વિકાસ માટે શુ કરવુ જોઈએ તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઝાયડસના પંકજભાઈ, ટોરેન્ટ ફાર્માના જીનલભાઇ મહેતા, વેલ્સપન ગ્રુપના ચીંતનભાઇ ઠાકર વગેરેએ પોતાના વિચારો રજુ કર્યા હતા.સરકાર તરફથી ટાઇલ્સ ઉપરના જીએસટી દર ઘટાડવામાં આવે તો સિરામિક ઉદ્યોગને રાહત મળે : મનોજભાઈ પટેલસિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ પટેલે બેઠક અંગે જણાવ્યું કે બેઠકમાં જીએસટી -2.0 અને સ્વદેશી પ્રોડક્ટ અપનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેઓએ ઉમેર્યું કે સિરામિક ટાઇલ્સ દરેક નાના વર્ગની જરૂરિયાત છે. બીજી તરફ સિરામિક એકમાત્ર એવી પ્રોડક્ટ છે જે ચીનને બરાબરની ટક્કર આપી રહી છે. તેવામાં સિરામિક ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. હાલ ટાઇલ્સ ઉપર જે 18 ટકા જીએસટી લાગે છે તે ઘટીને 5 ટકા જીએસટી લાગે તો ઉદ્યોગને ઘણી રાહત મળી શકે તેમ છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે વડાપ્રધાન સ્વદેશી વસ્તુ અપનાવવાની હિમાયત કરી રહ્યા છે. દરેક લોકો સ્વદેશી વસ્તુઓ અપનાવે. જેથી આપણા અર્થતંત્રને બળ મળે અને આપણો દેશ આગળ વધતો રહે. સિરામિકમાં વપરાતી મશીનરીઓ ઘરઆંગણે જ બને તે જરૂરી : નિલેશભાઈ જેતપરિયાકેપેક્સિલના સિરામિક પેનલના વાઇસ ચેરમેન નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે આ ઓનલાઈન બેઠકના અનેક મુદ્દાઓ ઉપર મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. ઉદ્યોગોના વિકાસ માટે અને લોકોને રાહત આપવા માટે જીએસટી 2.0 આવ્યો છે. તે માટે પણ ચર્ચાઓ થઈ હતી. સાથે સ્વદેશી અપનાવો મિશન અને ટેકનોલોજી અપગ્રેડેશન બાબતે સરકારે ઉદ્યોગોના મંતવ્યો લીધા હતા. વધુમાં નિલેશભાઈએ જણાવ્યું કે સિરામિક ઉદ્યોગમાં વપરાતી મશીનરી આયાત કરવી પડે છે. પણ આવનાર સમયમાં કઈ મશીનરી અહીં બનાવી શકાય તે અંગે સરકારને સૂચન કરાશે અને આ મશીનરીઓનું ઘરઆંગણે જ ઉત્પાદન થાય, જેથી કોઈ મશીનરી વિદેશથી મંગાવવી ન પડે.