મોરબી : મોરબીના રાજપર ખાતે આવેલી રાજપર માધ્યમિક શાળામાં આજે તા. 29 સપ્ટેમ્બર, 2025 ને સોમવારના રોજ ગુજરાત ગ્રામીણ બેંકના સહયોગથી અને રાજકોટની નાટ્ય સંસ્થા રંગધારા આર્ટ એજન્સી દ્વારા જનજાગૃતિ અભિયાનનો સુંદર નાટ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને નાણાકીય જાગૃતિ, બચતનું મહત્વ અને ઈમાનદારી જેવી મૂલ્યો અંગે જાગૃત કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય નિમેશભાઈ ફળદુ દ્વારા ગુજરાત ગ્રામીણ બેન્ક રાજપર બ્રાંચના બ્રાંચ મેનેજર દર્શનભાઈ ગોસ્વામી, નાબાર્ડ ડી ડી એમ મોરબી આદિત્ય નિકમ, રંગધારા આર્ટ એજન્સી રાજકોટના સંચાલક રાયમલ બોરીચા તેમજ તેમની ટીમ ના કલાકાર કાજલ જોબનપુત્રા, કાજલ રાઠોડ અને અજય ઠાકોરનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. રાયમલ બોરીચા દ્વારા વિદ્યાર્થીઓને સમજાવ્યું કે, આજના યુગમાં બચત કરવી એટલી જ જરૂરી છે જેટલું શિક્ષણ લેવું. તેમણે ડિજિટલ બેંકિંગ, ઓનલાઇન વ્યવહારની સુરક્ષા અને લઘુ ઉદ્યોગોને બેંક દ્વારા મળતા લાભો વિશે પણ માહિતી આપી. રાયમલ બોરીચા અને તેમની ટીમ દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત નાટ્ય રજૂ કર્યું હતું. નાટ્યમાં બચતનું મહત્વ અને સોના જેવી વસ્તુ બેન્કમાં રાખવી જોઈએ એવું સંદેશ આપવામાં આવ્યું હતું.નાટ્યમાં હાસ્ય સાથે ગૂંથાયેલા સંવાદો વિદ્યાર્થીઓને ખૂબ ગમ્યા હતા. વિદ્યાર્થીઓએ રસપૂર્વક સમગ્ર નાટ્ય નિહાળ્યું અને તાલીઓ પાડી કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. નાટ્ય પૂરુ થયા બાદ શાળાના આચાર્યએ ઉપસ્થિત સર્વેનું આભાર વ્યક્ત કર્યું હતું. વિશેષ ગુજરાત ગ્રામિણ બેંક દ્વારા સર્વે બાળકોને અલ્પાહાર કરાવવામાં આવ્યું હતું. આ રીતે ગુજરાત ગ્રામિણ બેંક દ્વારા રાજપર માધ્યમિક શાળામાં યોજાયેલ નાટ્ય યાદગાર, જ્ઞાનપ્રદ અને પ્રેરણાદાયી સાબિત થયું હતું.