તપોભૂમિ વાવણીયામાં હિન્દૂ-મુસ્લિમ બાળાઓ સાથે રમે છે રાસમોરબી : મોરબી જિલ્લામાં ગામે -ગામ અનોખા અંદાજમાં સદીઓથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે જેમાં શ્રીમદ રાજચંદ્રજી, રામબાઈ માતાજી અને નીમ કરોલી બાબાની તપોભૂમિ એવા માળીયા મિયાણા તાલુકના વવાણીયા ગામમાં છેલ્લા 80 વર્ષથી હિન્દૂ-મુસ્લિમ સમાજ એકતા સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરે છે. વવાણીયા ગામની ખાસ વિશેષતા એ છે કે, અહીં પરંપરાગત ગરબાઓની સાથે સ્વરચિત ગામની ભૌગોલિકતા અને સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબા ગવાઈ છે જેમાંનો એક છે એક બાજુ નવલખી...બીજી બાજુ કંડલા... વચમાં છે વવાણીયા ગામ રે...સંત, મહાત્મા અને સમાજ સુધારકની તપોભૂમિ ગણાતા માળીયા મિયાણા તાલુકાના નાના એવા ગામમાં નવરાત્રી મહોત્સવ કંઈક અલગ અંદાજમાં ઉજવવામાં આવે છે. હિન્દૂ-મુસ્લિમ મીશ્ર વસ્તી વાળા વવાણીયા ગામમાં શ્રીમદ રાજચંદ્રજી, માતા રામબાઈમાં અને બાબા નીમ કરોલી સ્થાપિત હનુમાનજીના મંદિરની પ્રસિદ્ધિની સાથે જ અહીંની ગરબી પણ સ્થાનિક ગરબાઓના કારણે ખુબ જ પ્રચલિત છે. ગરબી આયોજક ભરતસિંહના જણાવ્યા મુજબ વવાણીયા ગામમાં હિન્દૂ-મુસ્લિમ સમાજની 100 જેટલી બાળાઓ સાથે રાસ ગરબા રમી નવરાત્રી મહોત્સવને દીપાવી રહી છે.તેઓ ઉમેરે છે કે, નવરાત્રી દરમિયાન માતાજીના ગરબાના સ્થાપન બાદ નવ દિવસ આરાધના કરી દસમા દિવસે ગામના તમામ લોકો સાથે મળી ગરબાનું વિસર્જન કરવાની સાથે ગરબીમાં રાસ ગરબા રમતી બાળાઓને લ્હાણી કરવામાં આવે છે. ગરબીની વિશેષતા એ છે કે, અહીં એક બાજુ નવલખી...બીજી બાજુ કંડલા... વચમાં છે વવાણીયા ગામ રે... જેવા સ્થાનિક ભૌગોલિકતા અને સ્થાનિક ધર્મસ્થાનોને ઉજાગર કરતા સ્વરચિત ગરબા ગાવામાં આવે છે. અને દેશ ભક્તિના ગરબા પણ ગાવામાં આવે છે. સાથે જ હનુમાન ચાલીસાને ગરબામાં ચલતીના તાલે ગાઈને પણ ગરબા સ્વરૂપે ગાવામાં આવે છે.