હળવદ : હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામમાં અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી બે પક્ષ વચ્ચે બોલાચાલી થયા બાદ સામસામે બઘડાટી બોલી ગઈ હતી જેમાં એક પક્ષે જાનથી મારી નાખવા ધમકી આપવામાં આવી હોવાની તેમજ બીજા પક્ષે જાતિ પ્રત્યે અપમાનિત કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી હતી.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે રહેતા મુકેશભાઈ ઉર્ફે મુન્નો સોંડાભાઈ ચારોલાએ આરોપી જગદીશભાઈ બાલાભાઈ મકવાણા અને આરોપી પ્રકાશ છનાભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.24ના રોજ તેઓ બાઈક લઈને આરોપીઓના ઘર પાસેથી નીકળતા બાઈક ઉભું રખાવી આરોપીઓએ બીજી વખત નીકળશે તો ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી ગાળો આપી પતાવી દેવા ધમકી આપી હતી.સામાપક્ષે પરાક્રમ ઉર્ફે પ્રકાશભાઈ છનાભાઈ મકવાણાએ ફરિયાદ કરતા જાહેર કર્યું હતું કે,આરોપી મુનાભાઈ સોંડાભાઈ ચારોલાના કુટુંબીજનોએ અગાઉ ફરિયાદીના પિતા ઉપર હથિયાર વડે હુમલો કર્યો હોય જેની ફરિયાદ કરી હોય જેથી સાહેદ જગદીશભાઈએ મુન્નાને પોતાના ઘર પાસે નહિ નીકળવાનું કહેતા મુન્નાએ લોખંડની રાપ લઈ આવી જાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી આપી હતી. બનાવ અંગે હળવદ પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.