મોરબી: મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ તથા તાલુકા હેલ્થ કચેરી હળવદના માર્ગદર્શન હેઠળ તથા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાપકડા ખાતે તારીખ 26/09/2025ના રોજ સ્વસ્થ નારી, સશક્ત પરિવાર કાર્યક્રમ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબી સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્ક તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાપકડાના સહયોગથી યોજાયેલા આ કેમ્પને સાપકડા ગ્રામ પંચાયતના સરપંચ નટુભાઈ કણઝારીયા અને તલાટી કમ મંત્રી પ્રવીણભાઈ કણઝારીયા સહિતના ગ્રામ્ય આગેવાનોની હાજરીમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આગેવાનોએ પ્રસંગને અનુરૂપ વિચારો રજૂ કરીને લોકોને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.આ કેમ્પમાં સાપકડા ગામ તેમજ આજુબાજુના ગામોમાંથી આવેલા લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું, જેમાં કુલ 19 યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા માટે મેડીકલ ઓફિસર સાપકડા ડો. જાગૃતિબેન ગઢવી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાપકડાના સમગ્ર સ્ટાફ અને તેની હેઠળના તમામ પેટા આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.