ટંકારા : ટંકારા શહેરમાં ત્રણ હાટડી વિસ્તારમાં આવેલી નવદુર્ગા ગરબીમાં છેલ્લા 54 વર્ષથી ચાલતી એક અનોખી પરંપરા કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. અહીં પ્રથમ નોરતાના દિવસે મુસ્લિમ અગ્રણી અંબુભાઈ અહમદભાઈ ભુંગર દ્વારા મહા પ્રસાદ અર્પણ કરવાની પરંપરા આજે પણ અખંડ રીતે જળવાઈ રહી છે, જે શહેરના હિંદુ અને મુસ્લિમ સમાજ વચ્ચેની અખંડિતતા અને એકતાની બેમિશાલ ટમટમી રહી છે. આ પરંપરાની શરૂઆત પાંચેક દશકા પહેલાં થઈ હતી, જ્યારે વર્તમાન નવદુર્ગા ગરબી મંડળની ઓફિસમાં અંબુભાઈની કિરાણાની દુકાન આવેલી હતી. ત્યારથી જ પ્રથમ નોરતાના અવસર પર માતાજીને પ્રસાદ અર્પણ કરવાની આ પરંપરા શરૂ થઈ, જે આજે 54 વર્ષ પછી પણ તેટલી જ પ્રસિદ્ધ અને અટલ છે. અંબુભાઈ ભુંગર, જેઓ મુસ્લિમ સમુદાયના અગ્રણી વ્યક્તિ તરીકે ઓળખાય છે, તેમના આ કાર્યથી ટંકારા શહેરમાં કોમી સદભાવનાનું વાતાવરણ વધુ મજબૂત બન્યું છે.અહિના જગદીશ કુબાવતના જણાવ્યા અનુસાર, આ પરંપરા માત્ર ધાર્મિક અવસર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે હિંદુ અને મુસ્લિમ સમાજ વચ્ચેના ભાઈચારા અને પરસ્પર આદરનું પ્રતીક બની ગઈ છે. નવરાત્રિના તહેવારો દરમિયાન આ ગરબીમાં હજારો લોકો ભેગા થાય છે અને આ પરંપરા તેમને એકતાના સંદેશ સાથે પ્રેરિત કરે છે. અંબુભાઈ ભુંગરનું આ યોગદાન ટંકારા જેવા નાના શહેરમાં પણ કોમી એકતાના મોટા ઉદાહરણ તરીકે જોવા મળે છે.