150 વર્ષથી સચવાયેલી છે પૌરાણિક પરંપરા : ઈશ્વર વિવાહ, શિવવિવાહ, જડેશ્વરનો ગરબો સહિતના પૌરાણિક ગરબા ગવાઈ છેમોરબી : નવરાત્રી પર્વમાં આજના સમયમાં અર્વાચીન રાસોત્સવની ફેશન વચ્ચે પણ મોરબી શહેર અને જિલ્લામાં હજુ પણ ગુજરાતની પ્રાચીન અસ્મિતાને જાળવી રાખવામાં આવી છે. મોરબીના મશાલની વાડી વિસ્તારમાં દલાવાડી સમાજ દ્વારા વડીલો દ્વારા ચાતરવામાં આવેલ ચીલે ચાલી આજની યુવા પેઢી આજે પણ 150 વર્ષ જૂની પરંપરા મુજબ પૌરાણિક ગરબા ગાઈ નવરાત્રીમાં માતાજીની આરાધના કરી રહ્યા છે જેમાં આ વર્ષે અહીં બહુચર ગરબી મંડળ દ્વારા 11 ફૂટ ઉંચો ગરબો બનાવી માં નવદુર્ગાની આરાધના કરવામાં આવી રહી છે.મોરબી શહેર-જિલ્લામાં 571થી વધુ સ્થળોએ પ્રાચીન અર્વાચીન રાસગરબાના આયોજન થાય છે, જો કે, મોરબીના મશાલની વાડી વિસ્તારમાં વસવાટ કરતા દલવાડી સમાજના 65 જેટલા પરિવારો દ્વારા નવરાત્રી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે. બહુચર ગરબી મંડળ દ્વારા દર વર્ષે કઈ અલગ અંદાજમાં નવરાત્રી પર્વની માં શક્તિની ભક્તિ કરવામાં આવે છે જેમાં આ વર્ષે અહીં 11 ફૂટ ઉંચો ગરબો બનાવી ગરબીની મધ્યમાં રાખવામાં આવ્યો છે. ગરબી આયોજક અમરશીભાઈના જણાવ્યા મુજબ 11 ફૂટ ઉંચો ગરબો ગુજરાતમાં પ્રથમ વખત બનાવવામાં આવ્યો છે. પરંપરા મુજબ ગરબામાં 27 છિદ્રો પણ રાખવામાં આવ્યા છે. મોરબી શહેરમાં વિશાળ ગરબો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.બહુચર ગરબી મંડળ મશાલની વાડી દ્વારા દર વર્ષે નવરાત્રીમાં નવે નવ દિવસ ગરબા આયોજન બાદ દશેરાના દિવસે રાવણ દહન પણ કરવામાં આવે છે.40 લોકોની લગલગાટ મહેનતથી તૈયાર થયો ગરબોમોરબીની મશાલની વાડીમાં ગરબી મંડળ દ્વારા બનાવવામાં આવેલ 11 ફૂટ ઉંચો ગરબો નિહાળવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. 11 ફૂટનો ગરબો બનાવવા માટે 40 લોકોએ સતત 3 દિવસ મહેનત કરી હોવાનું જણાવતા આયોજક અમરશીભાઇ જણાવે છે કે, ગરબો બનાવવામાં માટી, પીઓપી, લોખંડ સહિતના મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગરબાની ફરતી બાજુએ માતાજીના વિવિધ સ્વરુપ પણ રજૂ કરવામાં આવ્યા છે.આયોજકો દ્વારા સમગ્ર રાજ્યમાં સૌથી મોટો 11 ફૂટનો ગરબો તેમના દ્વારા બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.જાંજ, દોકળના તાલે જ રમાઈ છે ગરબામશાલની વાડી ખાતે યોજાતા ગરબાની વિશેષતા એ છે કે, આજના આધુનિક યુગમાં પણ વિવિધ વાજીંત્ર, ડીજે કે મોટી સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો નથી, 150 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ જ આજે પણ અહીં જાંજ અને દોકળના તાલે જ બહેનો, દીકરીઓ અને પુરુષો ગરબા રમે છે. સાથે જ ક્યારેક ઢોલના તાલે પણ ગરબા રમવામાં આવતા હોવાનું આયોજક જણાવી રહ્યા છે.વલ્લભ ભટ્ટ અને ચુનીલાલના ગરબા ગવાઈ છેમશાલની વાડીમાં બાળાઓ, મહિલાઓ અને પુરુષો દ્વારા નવરાત્રી પર્વે આધુનિક ગરબાઓના તાલે ગરબા રમવાને બદલે વલ્લભ ભટ્ટ, ચુનીલાલ તેમજ દયારામ લિખિત પૌરાણિક ગરબાઓ જ ગાવામાં આવે છે અને આ ગરબાના તાલે જ ગરબા રમવામાં આવે છે. સાથે જ અહીં ઈશ્વર વિવાહ, શિવ વિવાહ, રાધા-કૃષ્ણ રાસ, કૃષ્ણ વિવાહ, જેઠવા ધારનો ગરબો, જડેશ્વર મહાદેવનો જડીયા જુગતાલી જેવા લુપ્ત થઇ રહેલા ગરબાઓ ગાઈને પેઢી દર પેઢીથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવામાં આવી છે.