દેવનાગરી લિપીનું ભાષાંતર કરી દેશી ઢાળમાં ગવાય છે માતાજીના ગરબા : કોઈપણ જાતના ભભકા કે વાજીંત્ર વગર માતાજીના ગરબા ગાઈ રાસગરબા રમે છે ગ્રામજનોમોરબી : આજના આધુનિક સમયમાં નવરાત્રીમાં ગરબીના આયોજનમાં ગવૈયાઓને બદલે ડીજે અને યુટ્યુબના ગરબાના તાલે રાસગરબા રમાઈ રહયા છે ત્યારે મોરબી તાલુકાના ખરેડા ગામે એક અનોખી ગરબી યોજાય છે જેમાં કોઈપણ જાતના વાજીંત્ર વગર માં ભગવતીની સ્તુતિ ભક્તોના કંઠે ગવાઈ છે અને ગામના પુરુષો કલાકો સુધી ગરબા જીલતા જીલતા રાસગરબા રમી માં ભગવતીની આરાધના કરે છે.મોરબી શહેર જિલ્લામાં શેરીએ ગલીએ પ્રાચીન ગરબીઓ યોજાઈ રહી છે સાથે જ પાર્ટી પ્લોટ અને મોટા મેદાનોમાં ડીજે અને બોલીવુડના ગીતોના તાલે અર્વાચીન ગરબા યોજાઈ રહ્યા છે ત્યારે મોરબીના નાના એવા ખરેડા ગામે ચાચર ચોકમાં છેલ્લા 465 વર્ષથી પારંપરિક પ્રાચીન ગરબાનું આયોજન થાય છે. આ અનોખા ગરબામાં કોઈ વાજીંત્ર નથી હોતા કે નથી કોઈ આધુનિક ભભકો. અહીં ગામના 80 વર્ષના બુઝુર્ગ દાદા બે, પાંચ કે દસ મિનિટ નહીં પરંતુ એકથી દોઢ કલાક સુધી ગરબો ગવડાવે છે અને ગામના અઢારેય વર્ણના લોકો એક જ મંડપ નીચે ગરબો જીલતા-જીલતા રાસ રમે છે. અહીં માં અંબે, રાંદલમાતાજી, બહુચર માતાજી, મહાકાળી માતાજી અને ભગવાન શિવજીનો પણ ગરબો ગવાય છે.65 વર્ષથી ગરબા ગવડાવે છે ઘનજીભાઈ ચાડમિયાઆજના સમયમાં 60 વર્ષની વયના લોકો એક કલાક તો ઠીક અડધો કલાક પણ એક સ્થળે ઉભા રહી નથી શકતા ત્યારે ખરેડા ગામના ઘનજીભાઈ ચાડમિયા નામના બુઝુર્ગ છેલ્લા 65 વર્ષથી વાજીંત્ર વગરની આ પ્રાચીન ગરબીમાં એકથી દોઢ કલાક સુધી ચાલે તેવા ગરબા ગવડાવવાની સાથે પોતે પણ ગરબા રમે છે. ધનજીભાઈ જણાવે છે કે , તેઓ 15 વર્ષના હતા ત્યારથી ગરબા ગવડાવે છે. જેમાં માતાજીના 65 કળીનો ગરબો દોઢ કલાક સુધી ગાવામાં આવે છે અને આ ગરબો શરૂ થતા જ જોમ સાથે અબાલવૃદ્ધ સૌકોઈ ગરબાના તાલે રાસ રમી માતાજીની ખરા અર્થમાં ભક્તિ કરે છે.ગરબીમાં સદભામાંનું રૂસણું પણ ગવાઈ છેખરેડા ગામના વિજયભાઈ ચાડમીયા જણાવે છે કે, અમારી ચાર સદી કરતા વધુ સમય જૂની આ ગરબીમાં તમામ ગરબા પૌરાણિક પ્રાચીન પરંપરાને આધારિત છે. અહીં ગવાતા મોટાભાગના ગરબા દેવનાગરી લિપીમાંથી ગુજરાતી ભાષામાં ભાષાંતર કરી દેશી ઢાળ આપી ગાવામાં આવે છે જેમાં મહાકાળી માતાજીનો ગરબો, રાંદલ માતાજીનો ગરબો, બહુચર માતાજીનો ગરબો તેમજ સદભામાંનું રૂસણું તરીકે ઓળખાતો ગરબો ગવાઈ છે, સાથે જ શિવજીનો પણ પ્રાચીન ગરબો ગવાતો હોવાનું જણાવી ગામના લોકોએ આજે પણ જૂની પરંપરા જાળવી રાખી હોવા અંગે ગર્વ વ્યક્ત કર્યો હતો.