ગ્રામજનોએ રેડ પાડતા પોલીસની ટીમે પણ દોડી આવી કાર્યવાહી કરીમોરબી : મોરબીના લુંટાવદર ગામે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર ગ્રામજનોએ જનતા રેડ પાડી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ રેડને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર લુંટાવદર ગામે એક ખેડૂતના ધ્યાને અવાવરૂ જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠી ધ્યાને આવતા તેને ગ્રામજનોનું ધ્યાન દોર્યું હતું. પરિણામે ગ્રામજનોએ રાત્રીના સમયે આ દારૂની ભઠ્ઠી ઉપર રેડ પાડી હતી. અંદાજે 90 જેટલા ગ્રામજનો આમાં જોડાયા હતા. આ વેળાએ આથો ભરેલા બે બેરલ, 8 ખાલી બેરલ તેમજ કેરબા સહિતની વસ્તુઓ મળી આવી હતી. જો કે આ જનતા રેડ બાદ તાલુકા પોલીસની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આ આથાનો સ્થળ ઉપર જ નાશ કર્યો હતો. બીજો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમ ગ્રામજનોએ જણાવ્યું છે.