સફાઈ અભિયાનમાં વિદ્યાર્થીઓ, સંસ્થાઓ અને મનપાના કર્મચારીઓ જોડાયા, ગાંધી ચોકથી લઈને ઉમિયા સર્કલ સુધી સફાઈ હાથ ધરાઈઆજ રોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા એજ સેવા પખવાડિયા અંતર્ગત મેગા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના ગાંધી ચોકથી લઈને ઉમિયા સર્કલ સુધી સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં મોરબી મહાગરપાલિકાના સફાઈ કર્મચારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, મોરબી ભાજપ પરિવાર, સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ, ABVP, NCC સહિતની જુદી જુદી સંસ્થાના લોકો પણ જોડાયા હતા. આ ઉપરાંત જુદી-જુદી શાળા કોલેજો અને લીલાપર રોડ પર આવેલ આવાસ યોજના ખાતે પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં 5 હજાર જેટલા લોકો જોડાયા હતા. તમામ જગ્યાએથી મોટા પ્રમાણમાં કચરો એકઠો કરીને નિકાલ કરવામાં આવ્યો હતો.આ અંગે મોરબી અપડેટ સાથેની વાતચીરમાં કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, હાલ 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા એજ સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલી અને જાગૃતિ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ, વિવિધ સંસ્થાઓ અને કર્મચારીઓ જોડાયા છે. સ્વચ્છતાનો સંદેશ ફેલાય તે માટે નવરાત્રિના આયોજન દરમિયાન પણ જાગૃતિ ફેલાય તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. ઈસ્ટ ઝોનના ગામોમાં પણ સફાઈ કામદારોની નિમણૂક કરવામાં આવી છે. હવે વેસ્ટ ઝોનની પણ કામગીરી શરૂ થશે. GVP કલેક્શન પણ હવે એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. શહેરમાં રસ્તાઓ પર ધુળ ન ઉડે તે માટેના પણ પ્રયત્નો ચાલુ છે. આશરે 15 થી 18 જેટલા રોડના કામો પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.