સરકારી નોકરિયાત યુવાનના મોટાભાઈ બીમારીનો ભોગ બનતા વ્યાજખોરોએ મજબૂરીનો લાભ લીધોહળવદ : હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકના મોટાભાઈ કિડની અને લીવરની બીમારીમાં સપડાઈ જતા નાણાકીય જરૂરત ઉભી થતા અલગ અલગ ચાર વ્યાજખોરો પાસેથી મહિને 10થી 30 ટકા ઉંચા વ્યાજે નાણાં લઈ વ્યાજના વિષચક્રમાં ફસાઈ જતા વ્યાજખોરોએ શિક્ષકના બે એક્ટિવા મોટર સાયકલ અને મકાન પડાવી લઈ પઠાણી ઉઘરાણી કરતા ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.વ્યાજખોરીની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદની હરિદર્શન સોસાયટીમાં રહેતા અને નવા ઘનશ્યામગઢ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેશભાઇ ભીમજીભાઇ પારેજીયા ઉ.52 નામના શિક્ષકે હળવદના વ્યાજખોર આરોપી પ્રભુભાઈ જહાભાઇ રબારી, ભરત રાણાભાઇ રબારી, હરદીપ ઉર્ફે મુનાભાઈ સવાભાઈ લાવડીયા અને આરોપી જયદેવ મનહરદાન ગઢવી રહે. તમામ હળવદ વાળાઓ વિરુદ્ધ 10થી 30 ટકા ઉંચા વ્યાજે વગર લાયસન્સે નાણાં ધીરી પઠાણી ઉઘરાણી કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદી રાજેશભાઇએ ફરિયાદમાં જાહેર કર્યું હતું કે, તેમના મોટાભાઈને લીવર અને કિડનીની ગંભીર બીમારીના ખર્ચને પહોંચી વળવા બે વર્ષ પૂર્વે આરોપી પ્રભુ જહાભાઈ રબારી પાસેથી 70 હજાર 30 ટકા ઉંચા વ્યાજે લીધા બાદ વ્યાજના ચકરમાં ફસાઈ જતા બાદમાં અન્ય આરોપીઓ પાસેથી ઉંચા વ્યાજે નાણાં લીધા હતા. જેમાં આરોપીઓએ ફરિયાદીનું મોટર સાયકલ તેમજ તેમના પત્નીના માલિકીના બે એક્ટિવા પડાવી લઈ તેમનું મકાન પડાવી લઈ દસ્તાવેજ કરાવી લઈ દર મહિને 3 હજાર મકાન ભાડું વસુલ કરવામાં આવી રહ્યુ છે. સાથે જ આરોપી પ્રભુ જહાભાઈ રબારીએ અગાઉ મર્ડર કર્યું હોય તેમના પુત્રને છરી બતાવી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી આરોપીઓએ કોરા ચેક પડાવી લઇ જાનથી મારી નાખવા ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.