કરોડોના ખર્ચે કેસરબાગ, સુરજબાગ અને શંકર આશ્રમની પણ કાયાપલટ કરાશેમોરબી : મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળવાની સાથે જ સુવિધાઓ મળવાની શરૂઆત થઇ છે. ખાસ કરીને શહેરમાં હરવા ફરવા લાયક સ્થળોની કમી છે અને બગીચાઓ ખંઢેર બન્યા છે ત્યારે સરદાર બાગનું રૂ.1.09 કરોડના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યા બાદ હવે ટૂંક સમયમાં જ બગીચાનું લોકાર્પણ કરવાની સાથે શહેરના કેસરબાગ, સુરજબાગ અને શંકર આશ્રમની કાયાપલટ માટે ટેન્ડર ફાઇનલ થઈ જતા સરદાર બાગના લોકાર્પણ સમયે જ ત્રણેય બગીચાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.સૌરાષ્ટ્રના પેરિસ સમાન સીરામીક નગરી મોરબી શહેરમાં નગરપાલિકાના શાસનમાં રાજાશાહી સમયના બગીચાઓ ખંઢેર બનવાની સાથે અસામાજિક તત્વોના અડ્ડા બની ગયા છે ત્યારે જાન્યુઆરીમાં શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળતા જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરીજનોને હરવા-ફરવા માટે બગીચાઓની કાયાપલટ કરવા કાર્યવાહી શરૂ કરી છે. જે અન્વયે અગાઉ નગરપાલિકા સમયે મંજુર થયેલ સરદારબાગનું કામ શરૂ કરાવ્યા બાદ સુંદર બગીચાની કાયાપલટ થતા એકાદ અઠવાડિયામાં જ સરદારબાગનું લોકાપર્ણ કરવાની સાથે શહેરના કેસરબાગ, સુરજબાગ અને શંકર આશ્રમની કાયાપલટ કરવા ખાતમુહૂર્ત કરવામાં આવશે.મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, સરદાર બાગનું કામ 1.09 કરોડ રૂપિયાના ખર્ચે થયું છે. જયારે કેસરબાગ માટે ટેન્ડર પ્રક્રિયા થતા 10.89 ટકા નીચા ભાવે રૂ.2,66,90,898ના ખર્ચે રી-ડેવલોપ કરવા ટેન્ડર ફાઇનલ કરી આર.કે.સોજીત્રા નામની એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. જયારે શંકર આશ્રમના કન્ટ્રક્શન અને ડેવલોપમેન્ટ માટે રૂ.1,84,98,307 ના ખર્ચે 8.99 ટકા નીચા ભાવે કૌશલ દેવીદાસ હરપલાની નામની એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરજબાગ ગાર્ડન ડેવલોપમેન્ટ અને કન્ટ્રક્શન માટે 10.99 ટકા નીચા ભાવે કૌશલ દેવીદાસ હરપલાની નામની એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે અને સરદાર બાગના લોકાર્પણ સાથે જ ત્રેણય બાગના ડેવલોપમેન્ટ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.રવાપર, નાની વાવડી અને જનકલ્યાણ સોસાયટીમાં બગીચા ડેવલોપ થશેમોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, હાલમાં સરદારબાગ તૈયાર થઇ ગયો છે અને કેસરબાગ, સુરજબાગ અને શંકર આશ્રમના ડેવલોપમેન્ટના કામના ટેન્ડર ફાઇનલ થઈ ગયા છે ત્યારે આવનાર દિવસોમાં મોરબીના રવાપર નજીક આવેલ બાગ, નાની વાવડી ગામે આવેલ ગ્રામ પંચાયત હસ્તકનો બગીચો, જન કલ્યાણ સોસાયટીનો બગીચો તેમજ મણિમંદિર પાસે આવેલ રાણી બાગનું પણ ડેવલોપમેન્ટ કરી શહેરીજનોની સુવિધામાં વધારો કરાશેતમામ બગીચાઓમાં હીંચકા-લપસીયા સહિતની સુવિધામોરબીના સરદાર બાગની કાયાપલટ થઈ ચુકી છે અહીં 20 બાંકડા મુકવામાં આવ્યા છે સાથે જ ફૂવારા, લોન, શૌચાલય, 22-હીંચકા લપસીયા, 8-જીમના સાધનો, સિક્યુરિટી કેબીન, બંસીધર પથ્થરનો આકર્ષક ગેઇટ મુકવામાં આવ્યો છે. અહીં 180 જેટલા નાના મોટા વૃક્ષ વાવવામાં આવ્યા છે છે. જયારે રી-ડેવલોપ કરવામાં આવનાર કેસરબાગમાં ચાલવા માટેનો ટ્રેક, લોન, હીંચકા લપસીયા, કસરતના સાધનો, બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ, ફુવારા, મૂર્તિઓ, રજવાડી ગેટ, સેલ્ફી ઝોન બનાવવામાં આવશે. એ જ રીતે શંકર આશ્રમ અને સુરજબાગમાં પણ ચાલવા માટેનો ટ્રેક, લોન, હીંચકા લપસીયા, મૂર્તિઓ અને કસરતના સાધનો મુકવામાં આવશે.