ટંકારા : જી. સી. ઈ. આર.ટી. - ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના પ્રેરણાથી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, મોરબીના સહયોગથી, શ્રી મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ-ટંકારા તથા શ્રી એમ. પી. દોશી વિદ્યાલય - ટંકારા દ્વારા તારીખ 22 સપ્ટેમ્બર, 2025ના રોજ તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ભવ્ય રીતે યોજાયું હતું.શ્રી એમ. પી. દોશી વિદ્યાલય ખાતે આયોજિત આ દિવસભરના પ્રદર્શનમાં ટંકારા તાલુકાની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાના વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થી દ્વારા સામાજિક અને વૈજ્ઞાનિક સમસ્યાઓને આધારે સાત વિભાગ આધારીત નવીન મૉડલ્સ, પ્રયોગો અને અભિગમ રજૂ કરીને વિજ્ઞાન તરફની રુચિ દેખાડી હતી. પ્રદર્શનના મુખ્ય વિષયો પર્યાવરણ સંરક્ષણ, ઊર્જા વિકલ્પો, જળ સંરક્ષણ, ટેકનોલોજીનો ઉપયોગ, આરોગ્ય અને સ્વચ્છતા જેવા જીવનજરૂરી વિષયો સાથે જોડાયેલા રહ્યા હતા. આ પ્રકારની પ્રયોગાત્મક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તથા પડકારોનો સામનો કરવાની તાકાત વિકસાવે છે.પ્રદર્શન સ્થળે શિક્ષકો, વાલીઓ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓના પ્રયાસોને બિરદાવીને તેમને આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. નિષ્ણાતો અને સમીક્ષકો દ્વારા શ્રેષ્ઠ કૃતિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યુ છે, જે જિલ્લા કક્ષાના પ્રદર્શન માટે પસંદ કરાશે.ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ખાનગી શાળા અને સરકારી માધ્યમિક શાળાના આચાર્ય સંચાલકો દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. વી. એલ. કણજારીયા, બી. કે. જીવાણી, વી. વી. સુરેલીયા અને વિજય ભાડજા દ્વારા તમામનો આભાર વ્યક્ત કરાયો હતો.