સબ-ડિવિઝન કચેરી ખેતીવાડી વિસ્તાર ગણાવીને વીજ જોડાણ આપવામાં અસમર્થતા દર્શાવતી હોવાના આક્ષેપો મોરબી: મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના મંત્રી ઈકબાલ સુભાન સંધવાણીએ ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદરને માળિયા મિયાણા નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વીજળીની સુવિધા આપવા લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે માળિયા મિયાણાના બેકડ, દાતાર ના ઝાડ, ભગાડીયા, ભોળીપાટ, ખોડ વાંઢ, કોબા અને પેટ્રોલ પંપ જેવા વિસ્તારોમાં દાયકાઓથી રહેણાંક હોવા છતાં વીજળીની મૂળભૂત સુવિધા ઉપલબ્ધ નથી. સ્થાનિક રહેવાસીઓએ વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ સબ-ડિવિઝન કચેરી દ્વારા આ વિસ્તારોને 'ખેતીવાડી વિસ્તાર' ગણાવીને વીજ જોડાણ આપવામાં અસમર્થતા દર્શાવવામાં આવે છે.વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે બિનખેતી પુરાવા રજૂ કરવા મુશ્કેલ છે, જેના કારણે તેઓ વીજળી જેવી આવશ્યક સુવિધાથી વંચિત રહ્યા છે. ઈકબાલ સુભાન સંધવાણીએ માનવતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આ વિસ્તારોમાં વીજ જોડાણ આપવા માટે જરૂરી આયોજન કરવા અને હુકમ આપવા અપીલ કરી છે.