મોરબી : મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજે પ્રથમ નોરતે એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવીને મોરબીને અનોખું ગૌરવ અપાવ્યું છે. મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના 6000 વિદ્યાર્થીઓ અને વાલીઓએ આજે પ્રથમ નોરતે એક સાથે મોરબીના વિવિધ 40 મંદિરોમાં મહા આરતી કરીને એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. અંગે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં આયોજકોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ આપણી સંસ્કૃતિથી નજીક આવે તે માટે એક સાથે 40 મંદિરોમાં મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની તૈયારી છેલ્લા બે મહિનાથી ચાલી રહી હતી. જેમાં મોરબીના વિવિધ મંદિરોના પુજારીઓને મળીને જે તે વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખીને આ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમિયા સર્કલથી લઈને સામા કાંઠા સુધીના મોટાભાગના મંદિરોમાં એટલે કે કુલ 40 જેટલા મંદિરોમાં આ મહા આરતી કરવામાં આવી હતી. જેમાં 6,000 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા. જે માટે શાળા દ્વારા એશિયા બુક ઓફ રેકોર્ડનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ અંગે જણાવવામાં આવ્યું હતું. તેથી એશિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ આ ઘટનાની નોંધ લેવામાં આવી છે અને એશિયા બુક ઓફ રેકોર્ડ નોંધાવામાં આવ્યો છે. જેમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, તપોવન વિદ્યાલય, વેદાંત સ્કૂલ અને પ્રિ સ્કૂલના કુલ 150 જેટલા શિક્ષક ભાઈઓ બહેનો આયોજનમાં જોડાયા છે.આ પ્રસંગે મહાઆરતીમાં ઉપસ્થિત રહેલા પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ખૂબ જ સારું પગલું ભરવામાં આવ્યું છે. બાળકોને નાનપણથી જ મંદિરે જવા માટેના સંસ્કાર આવા કાર્યોથી મળતા હોય છે.આ પ્રસંગે પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયાએ જણાવ્યું હતું કે, બાળકોમાં મંદિર અને સનાતનની ભાવના ઊભી થાય તે માટે આ ખૂબ જ સારું પગલું ભરવામાં આવ્યું છે તે બદલ હું શાળાના સંચાલકો અને ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવું છું.એશિયા બુક ઓફ રેકોર્ડના જીતેશ હર્ષદભાઈ ચાંદપુરાએ જણાવ્યું હતું કે, અમે અહીંયા નિરીક્ષક તરીકે આવ્યા છીએ અને મોરબીના વિવિધ મંદિરોમાં મહા આરતી થઈ રહી છે તેની મુલાકાત લીધી છે. અમારા મત મુજબ ભારતમાં આવું આયોજન કોઈ પણ જગ્યાએ હજુ સુધી થયું નથી અને આ પ્રથમ વખત રેકોર્ડ થઈ રહ્યો છે. શાળાનો આ વિચાર ખૂબ જ સરાહનીય છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓનો પણ ખૂબ જ સારો સાથ સહકાર મળ્યો છે. જેથી વિનય ઇન્ટરનેશનલ સ્કૂલે આ અનોખો એશિયા બુક ઓફ રેકોર્ડ નોંધાવ્યો છે.આ અંગે વાલીએ જણાવ્યું હતું કે, આ કાર્યથી વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક અને ધાર્મિક ભાવના જાગશે અને તેઓ સારા કાર્ય તરફ વળશે. આવા પ્રયાસોથી બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થતું હોય છે.