મોકડ્રીલ પછી ફાયર ડેમોસ્ટ્રેશન અને તાલીમનું આયોજન કરાયું મોરબી: મોરબી મહાપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા સનાતન નવરાત્રી, મહેન્દ્રનગર ચોકડી પાસે એક ફાયર અને રેસ્ક્યુ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ નવરાત્રી દરમિયાન કોઈ દુર્ઘટના બને તો તેને કેવી રીતે પહોંચી વળવું તેની તાલીમ આપવાનો હતો.મોકડ્રીલ દરમિયાન, ફાયર કંટ્રોલ રૂમમાં સાંજે ૦૫:૪૩ વાગ્યે કોલ આવ્યો હતો કે નવરાત્રીના પંડાલ પાસે આગ લાગી છે અને બે વ્યક્તિઓ ફસાયેલા છે. કોલ મળતાની સાથે જ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી ટીમ તુરંત જ રેસ્ક્યુ વાહન અને વોટર બ્રાઉઝર સાથે ૧૦ મિનિટમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમે ઝડપથી આગ પર કાબૂ મેળવ્યો હતો અને સાથે સાથે ફસાયેલા બે લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા મેડિકલ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. આ મોકડ્રીલમાં મોરબી પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે પણ સહયોગ આપ્યો હતો.આ મોકડ્રીલ પછી, ફાયર ડેમોસ્ટ્રેશન અને તાલીમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની મોટી નવરાત્રીના આયોજકો, જેમકે સંકલ્પ નવરાત્રી, પાટીદાર નવરાત્રી, ઉમિયા નવરાત્રી, નીલ સિટી ક્લબ નવરાત્રી, અને સનાતન નવરાત્રીના સુરક્ષા કર્મચારીઓ જોડાયા હતા.લોકોને નવરાત્રીના ગ્રાઉન્ડમાં ભારે ભીડ હોય ત્યારે કોઈ દુર્ઘટના બને તો લોકોને સુરક્ષિત રીતે બહાર કેવી રીતે નીકળવું, આગ લાગે તો અગ્નિશામક (ફાયર એક્સટિંગ્યુશર) નો ઉપયોગ કેવી રીતે કરવો, કોઈ પણ ઇમરજન્સીના સમયે ફાયર કંટ્રોલ રૂમનો નંબર ૧૦૧ અથવા ૧૧૨ પર જાણ કરવા અંગે માહિતગાર કરાયા હતાં.