જાહેરનામું ૨૨ સપ્ટે.થી ૧ ઓક્ટો. સુધી દરરોજ રાત્રે ૮:૦૦ થી સવારે ૬:૦૦ વાગ્યા દરમિયાન અમલમાં રહેશેમોરબી: નવરાત્રી પર્વ અને વાંકાનેર શહેર નજીક મચ્છુ નદી પરના ઓવરબ્રિજને નુકસાન થવાને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને, મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરીએ વાહનો માટે વૈકલ્પિક રૂટની જાહેરાત કરી છે. આ જાહેરનામું પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.આઈ.બી. શાખા, મોરબીની દરખાસ્તના આધારે બહાર પાડવામાં આવ્યું છે.હાલમાં, વાંકાનેર શહેરને રાતીદેવરી-પંચાસર ગામ સાથે જોડતો મચ્છુ નદી પરનો ઓવરબ્રિજ નબળો પડીને બેસી ગયો હોવાથી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ કારણે મોટા પ્રમાણમાં ભારે વાહનો શહેરના સાંકડા માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે, જેના પરિણામે ટ્રાફિક જામ અને અકસ્માતોનું જોખમ વધી ગયું છે. આ ઉપરાંત, ૨૧ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન નવરાત્રીનો તહેવાર હોવાથી જૂના ચંદ્રપુર રોડ, જીનપરા ચોક, સિટી સ્ટેશન રોડ અને ધર્મ ચોક જેવા વિસ્તારોમાં લોકોની ભારે ભીડ રહેવાની સંભાવના છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વાહનવ્યવહારને સુચારુ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ જાહેરનામું ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫થી ૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી દરરોજ રાત્રે ૮:૦૦ થી સવારે ૬:૦૦ વાગ્યા દરમિયાન અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન ભારે વાહનોએ નીચે જણાવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે * વૈકલ્પિક રૂટ-૧ (રાજકોટ/ટંકારા/જામનગરથી આવતા વાહનો): અમરસર ફાટકથી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ, બસ સ્ટેન્ડ રોડ, દિવાનપરા રોડ, અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ, સરકારી હોસ્પિટલ રોડ, રાતદેવરી ગામ થઈને વાંકીયા ગામથી નેશનલ હાઈવે પર પહોંચી શકશે. * વૈકલ્પિક રૂટ-૨ (મોરબીથી આવતા વાહનો): નેશનલ હાઈવે, વાંકીયા ગામ, રાતદેવરી, સરકારી હોસ્પિટલ રોડ, અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ, દિવાનપરા રોડ, બસ સ્ટેન્ડ રોડ, સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ થઈને રાજકોટ રોડ અથવા અમરસર, મીતાણા, ટંકારા, જામનગર તરફ જઈ શકશે. * વૈકલ્પિક રૂટ-૩ (રાજકોટ/ટંકારા/જામનગરથી મોરબી જતા વાહનો): અમસર ફાટકથી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ, બસ સ્ટેન્ડ રોડ, દિવાનપરા રોડ, અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ, સરકારી હોસ્પિટલ રોડ, રાતીદેવરી ગામ થઈને જડેશ્વર રોડથી મોરબી પહોંચી શકશે. * વૈકલ્પિક રૂટ-૪ (ટંકારા/લજાઈથી આવતા વાહનો): જડેશ્વર રોડ થઈને મોરબી તરફ જઈ શકશે.આ જાહેરનામાની જોગવાઈઓમાંથી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ, સરકારી વાહનો, નગરપાલિકાના વાહનો, પી.જી.વી.સી.એલ., એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, સ્કૂલ/કોલેજ વાહનો, સામાજિક કે ધાર્મિક કાર્ય સાથે સંકળાયેલા વાહનો અને આવશ્યક ચીજવસ્તુઓ લઈ જતાં વાહનોને મુક્તિ આપવામાં આવી છે. તેમજ આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર બનશે.