નાટકમાં 40 યુવાનોએ ભાગ લીધો: માત્ર ચાર કલાકમાં જ રૂ. 25 લાખનું માતબર દાન એકઠું થયુંમોરબી: નવરાત્રીનો પવિત્ર પર્વ માતાજીની આરાધનાનો છે, ત્યારે મોરબી પંથકમાં આ પર્વ માતાજીની સાથે ગૌમાતાની સેવા માટે પણ ઉજવાય છે. અહીંના ગામોમાં આવેલી ગૌશાળાઓના નિભાવ માટે નાટકોનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગામના લોકો, ઉદ્યોગપતિઓ, શિક્ષકો અને યુવાનો સાથે મળીને અલગ-અલગ પાત્રો ભજવીને નાટકો ભજવે છે.આવું જ એક અનોખું આયોજન મોરબી નજીક આવેલા રાજપર ગામે થયું હતું. રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે અને નવરાત્રી દરમિયાન અહીં નાટકનું આયોજન થાય છે. આ વખતે 'સમ્રાટ હર્ષ' નામનું ઐતિહાસિક નાટક અને 'દેવનો દીધેલો દામડો' નામનું કોમિક નાટક ભજવવામાં આવ્યું હતું.આ ગૌશાળામાં 150 જેટલી ગાયો છે, જેમાંથી 101 ગાયોને અલગ-અલગ પરિવારોએ દત્તક લીધી છે. આ પરિવારોએ ગાયોને મચ્છુ, કાલિન્દ્રી, કપિલા, કામધેનુ, સુરભિ, સરસ્વતી, શ્યામલી, યમુના, ધેનુ, ગૌરી, કાવેરી જેવા નદીઓ અને પ્રિયજનોના નામ પરથી નામ આપ્યા છે. આ પરિવારો દર વર્ષે ગાયોના નિભાવ માટેનો ખર્ચ ઉઠાવે છે.ગઈકાલે યોજાયેલા નાટકમાં 40 યુવાનોએ ભાગ લીધો હતો અને માત્ર ચાર કલાકમાં જ રૂ. 25 લાખનો માતબર ફાળો એકત્ર થયો હતો. જેમાં રૂ. 22 લાખ રોકડા અને 182 ગુણી ખોળનો સમાવેશ થાય છે. આ આવકથી આખું વર્ષ ગાયોનો નિભાવ સરળતાથી થઈ શકે છે. આમ, મોરબી પંથકના લોકો માતાજીની આરાધનાની સાથે ગૌમાતાની સેવા પણ કરે છે, જેનાથી ગાયોને રખડવું ન પડે.