જ્યારે હું ખુલ્લી આંખે આટલું સરસ કામ કરી શકું છું, તો આંખ બંધ કરીને કેમ નહિ ?: પરંપરાગત વ્યવસાય સંભાળી રોજના 100 ગરબા બનાવતા કુંભાર મોરબી: નવરાત્રીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે માતાજીની સ્થાપના માટે ગરબા ખરીદવા લોકો અત્યારથી જ બજારોમાં ઉમટી પડ્યા છે. આ પ્રસંગે માટીના ગરબા બનાવતા કુંભારોની મહેનત પણ પરાકાષ્ઠાએ પહોંચી છે. એક એવા કલાકાર ભરતભાઈ પ્રજાપતિની વાત કરી રહ્યા છીએ, જેઓ છેલ્લા એક મહિનાથી રાત-દિવસ મહેનત કરી ગરબા બનાવી રહ્યા છે. તેમની કલાનો સૌથી અનોખો ભાગ એ છે કે તેઓ આંખે પાટા બાંધીને પણ ગરબા બનાવે છે.આ અંગે વાત કરતા ભરતભાઈ જણાવે છે કે, કુંભારકામનો આ તેમનો વારસાગત વ્યવસાય છે. તેમના દાદા અને પિતા પણ આ જ કામ કરતા હતા. આંખે પાટા બાંધીને ગરબા બનાવવાનો વિચાર તેમને અચાનક આવ્યો. તેઓ કહે છે કે, 'જ્યારે હું ખુલ્લી આંખે આટલું સરસ કામ કરી શકું છું, તો આંખ બંધ કરીને કેમ નહિ?' આ વિચાર આવ્યા બાદ તેમણે રોજ કામ પૂરું થયા પછી એક કલાક અભ્યાસ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં નિષ્ફળતા મળી, પરંતુ પ્રયત્ન ચાલુ રાખ્યો. આંખે પાટા બાંધીને ગરબા બનાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેમ કે માટીમાં રહેલા કાંકરા કે કચરાને કારણે ગરબા તૂટી જવાનો ભય રહે છે, જેના કારણે મહેનત બરબાદ થઈ જાય છે.જોકે, ભરતભાઈએ આ કળામાં માસ્ટરી મેળવી છે અને તેઓ આંખે પાટા બાંધીને એક દિવસમાં લગભગ ત્રણ કલાક કામ કરી શકે છે. હાલમાં, તેઓ નવરાત્રી માટે દરરોજ 100 જેટલા ગરબા બનાવે છે, જેની પ્રક્રિયામાં ગરબા ટીપવા, સૂકવવા અને તૈયાર કરવા જેવી વિવિધ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. ભરતભાઈની આ અનોખી કલાકારી ખરેખર પ્રશંસાને પાત્ર છે.