પેકેજીંગ ઉદ્યોગના રો-મટિરિયલએવા પેપર ઉપર 18 ટકા જીએસટી અને તૈયાર કરેલી પ્રોડક્ટ એવા બોક્સ ઉપર 5 ટકા જીએસટી લાગતો હોવાથી સમસ્યા મોરબી : મોરબીના ભરતનગરમાં પટેલ સમાજ વાડી ખાતે ગઈકાલે ઓટો તથા મેન્યુલ પેકેજિંગ ઉદ્યોગકારોની પેપર મિલના સભ્યો સાથે બેઠક મળી હતી. જેમાં જીએસટીના ભારણ વિશે ઉદ્યોગકારોએ મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી.પેકેજીંગ ઉદ્યોગકારોએ બેઠકમાં જણાવ્યું હતું કે એક તરફ મંદીના માહોલમાં સિરામિક ઉદ્યોગો તરફથી પેમેન્ટ આવતું નથી. બીજી તરફ મિલના પેપરમાં ૧૮% જીએસટી લાગે છે અને બોક્સમાં ૫% જીએસટી લાગે છે. એટલે દર મહિને જીએસટી જમા રહેશે. આ મંદીમાં બોક્સ વાળા નાના વેપારીઓને બન્ને બાજુ મોટા વેપારી સાથે માલ લેવાનો અને દેવાનો હોય એટલે બોજો વધતો જશે. પેપર મિલના પ્રમુખને પેકેજીંગ ઉદ્યોગકારોએ અપીલ કરી કે અમારે ટેક્સ ભરવો છે. બોક્સ ઉપર ૧૮% જીએસટી લાગુ થાય અથવા તો મિલના પેપરમાં ૫% જીએસટી લાગે તો જ સરળતા રહે. જેથી આ વાત સરકાર સુધી પહોંચાડવામાં આવે. મિલના પ્રમુખ શૈલેષભાઈએ આગળ વાત પહોંચાડવાની બાહેંધરી આપી છે આ મિટિંગ માં પાર્થભાઈ, પ્રકાશભાઈ, હાર્દિકભાઈ, રાજુભાઈ, વિમલભાઈ, મેહુલભાઈ, દિપેશભાઈ સહિતનાએ વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી સિરામિક સાથે આ મંદીના માહોલમા ઉધારી કઈ રીતે ઓછી કરવી તે અંગે ચર્ચા કરી હતી. ઉપસ્થિત તમામ ઉદ્યોગકારોનો એક જ મત હતી કે વેપાર ભલે ઓછો થાય પણ આ મંદીના માહોલમાં પ્રોડકશન ઓછું કરી અને સાચા અને સચોટ વેપારીને માલ આપી અને આ ધંધો ચાલુ રાખી શકાય. તેમ પેકેજીંગ ઉદ્યોગકારોની યાદીમાં જણાવાયું છે.