ભંગારનોં ધંધો કરવામાં યુવાન આર્થિક રીતે ભાંગી ગયો : રૂ.35.5 લાખનું પાટીદાર યુવાને રોજનું 82 હજાર વ્યાજ ચુકવ્યું, અંતે ફરિયાદમોરબી : મોરબીમા રીક્ષા ડ્રાઇવિંગ કરતા યુવાને ભાગીદારીમાં ભંગારનોં ધંધો કરવા દૈનિક 3 ટકા જેટલા ઉંચા વ્યાજે નાણાં મેળવ્યા બાદ વ્યાજના ચક્કરમાં ફસાઈ જતા ધીમે ધીમે 35.50 લાખ રૂપિયાનું દરરોજ 82 હજાર વ્યાજ ચૂકવવા છતાં વ્યાજખોરે ખેતીની જમીનનો દસ્તાવેજ કરાવી કોરા ચેક પડાવી લેતા વ્યાજખોરી મામલે ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના ન્યુ ચંદ્રેશનગરમાં ગરબી ચોકમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા શૈલેષભાઇ ભીખાભાઇ જીવાણી ઉ.4ઉં નામના પાટીદાર યુવકે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વ્યાજખોર વિપુલ અવાડિયા રહે.કુબેરનગર વાળા વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, વર્ષ 2024માં ડિસેમ્બર માસમાં પોતાને પોતાના મિત્ર સાથે ભાગીદારીમાં ભંગારનો ધંધો કરવો હોય આરોપી પાસેથી રૂ.6 લાખ દૈનિક 18 હજાર લેખે વ્યાજે લીધા હતા.બાદમાં ધીમે ધીમે વ્યાજના ચક્કરમાં ફસાયેલા શૈલેષભાઇ વ્યાજમાં પહોંચી ન શકતા વખતો વખત જરૂરત મુજબ ઉંચા વ્યાજે કુલ રૂપિયા 35.50 લાખની રકમ લીધી હતી. જેથી આરોપી વિપુલ અવડીયાએ શૈલેશભાઈની ખેતીની જમીનનો બળજબરીથી દસ્તાવેજ કરાવી લઈ પડાવી લીધેલા કોરા ચેક રિટર્ન કરાવવા પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા વ્યાજખોરી મામલે સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.