પ્રતિ લીટર ઘીના ભાવમાં 40 રૂપિયા, ચીઝના ભાવમાં કિલોએ થશે 30નો ઘટાડો મોરબી : જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ઘી, માખણ, આઈસ્ક્રીમ, બેકરી અને ફ્રોઝન નાસ્તા સહિત 700 થી વધુ ઉત્પાદનોના છૂટક ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવી કિંમતો આગામી તા.22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. અમુલ દ્વારા દૂધની 700 થી વધુ પ્રોડક્ટ પેકની કિંમત યાદીમાં સુધારો કરવામાં આવ્યો છે, જેથી ગ્રાહકોને જીએસટી ઘટાડાનો સંપૂર્ણ લાભ મળે.નોંધનીય છે કે, જીએસટી ઘટાડા હેઠળ ટેટ્રા પેક ઉપર પણ ભાવ ઘટાડાનો લાભ મળશે.ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા શનિવારે ભાવ ઘટાડાની જાહેરાત કરી હતી. જીએસટી દર ઘટાડાનો સીધો લાભ ગ્રાહકોને આપવા અમુલ દ્વારા માખણ, ઘી, યુએચટી દૂધ, આઈસ્ક્રીમ, ચીઝ, ચોકલેટ, બેકરી રેન્જ, ફ્રોઝન ડેરી અને બટાકાના નાસ્તા, કન્ડેન્સ્ડ મિલ્ક, પીનટ સ્પ્રેડ, માલ્ટ-આધારિત પીણાં અને વધુ જેવી પ્રોડક્ટ કેટેગરીમાં કરવામાં આવ્યા છે. જેમાં માખણ (૧૦૦ ગ્રામ)ના ૬૨ રૂપિયાથી ઘટાડીને ૫૮ રૂપિયા કરવામાં આવ્યા છે. ઘીના ભાવ ૪૦ રૂપિયા ઘટાડીને ૬૧૦ રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યા છે. અમૂલ પ્રોસેસ્ડ ચીઝ બ્લોક (૧ કિલો)ના ભાવમાં ૩૦ રૂપિયા ઘટાડીને ૫૪૫ રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવ્યા છે. ફ્રોઝન પનીર (૨૦૦ ગ્રામ) ની કિંમત રૂપિયા ૯૯થી ઘટાડી ૯૫ રૂપિયા થશે.વધુમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને જણાવ્યું હતું કે, અમુલની અલગ-અલગ પ્રોડક્ટમાં ભાવ ઘટાડાથી વિવિધ ડેરી ઉત્પાદનો, ખાસ કરીને આઈસ્ક્રીમ, ચીઝ અને માખણનો વપરાશ વધશે, કારણ કે ભારતમાં માથાદીઠ વપરાશ હજુ પણ ખૂબ ઓછો છે, જેનાથી નોંધપાત્ર વૃદ્ધિની તકો ઊભી થશે. ઉલ્લેખનીય છે કે, મધર ડેરીએ પણ ૨૨ સપ્ટેમ્બરથી પોતાના ઉત્પાદનો પર ભાવ ઘટાડાની જાહેરાત કરી છે.