ટંકારા : સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ્દ થઈ રહ્યા છે ત્યારે આ મામલે ટંકારાના પાટીદાર અગ્રણી મહેશ રાજકોટિયાએ તંત્રને ચીમકી આપી છે અને જો ખેડૂતોનું રજિસ્ટ્રેશન રદ થશે તો જોવા જેવી થશે તેમ જણાવ્યું છે.ટંકારા સહિત અનેક સ્થળે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવાની આશામાં ખેડૂતોએ કરેલા રજિસ્ટ્રેશનમાંથી અનેકના નામો સેટેલાઈટ મેપિંગના કારણે કેન્સલ થતાં હાલાકી વધી છે. આ મુદ્દાને લઈને ટંકારા તાલુકાના ખેડૂતોએ પાટીદાર અનામત આંદોલનના અગ્રણી મહેશ રાજકોટિયાને સાથે લઈને તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા હતા. આ બાબતે રાજકોટિયાએ સખત ચેતવણી જારી કરી છે કે, 'જો એક પણ ખેડૂતનું રજિસ્ટ્રેશન રદ થયું તો જોવા જેવું થશે.'ગુજરાતમાં લઘુતમ સમર્થન મૂલ્ય (ટેકા) યોજના હેઠળ મગફળીના વેચાણ માટે ખેડૂતોએ ઉજાગરા કરીને અને ધક્કા ખાઈને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે, સેટેલાઈટ મેપિંગ અને અન્ય તપાસ પ્રક્રિયાઓમાંથી ઘણા ખેડૂતોના નામો કેન્સલ થઈ ગયા છે. આ તમામ બાબતો પર ખેતીવાડી અધિકારી અશોક હડિયલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હાલે ટંકારા તાલુકાના રદ થયેલ રજિસ્ટ્રેશનની યાદી ઉપર યુદ્ધના ધોરણે કામ શરૂ છે ટેકનોલોજીનો ઉપયોગ કરી અમે આ કામ સમય મર્યાદામાં આટોપી લઈશું.