મેંદરડા પોલીસે મધ્યરાત્રીએ દરોડો પાડી રંગમાં ભંગ પાડયો : કાર સહિતનો મુદ્દમાલ કબ્જે કરી 11 આરોપીઓને ઝડપી લીધા રાજકોટ : ગીર પંથકમાં ફાર્મ હાઉસના નામે બંધ બારણે ન થવાનું કે ન પકડાવાનું પકડાતું હોય છે ત્યારે મેંદરડાના અંબાળા ગામ નજીક આવેલ ગીર નેચરલ ફાર્મમાં પોલીસે મધ્યરાત્રીએ દરોડો પાડી ડ્રીન્ક વીથ ડાન્સ પાર્ટીમાં મજા મજા કરી રહેલા રાજકોટ, મોરબી, અમદાવાદ અને સુરતની ચાર યુવતી તથા સાત યુવકોને પકડી પાડ્યા હતા. જેમાં મોરબીના ત્રણ યુવાનો હોવાનું સામે આવ્યું છે. દરોડામાં પોલીસને મોંઘો વિદેશી દારૂ હાથ લાગ્યો હતો. ફ્રેશ થવાના બહાને આવેલા ઈસમોની લાખોની કિંમતની ચાર કાર અને મોબાઈલ ફોન પણ પોલીસે કબજે કર્યા હતા.મેંદરડાના અંબાળા ગામની સીમમાં આવેલા ગીર નેચરલ ફાર્મમાં મહિલા-પુરુષોની દારૂની મહેફિલ ચાલુ હોવાની મળેલી માહિતીના આધારે પીઆઈ પી.સી.સરવૈયાની રાહબરી હેઠળ મહિલા પોલીસ સ્ટાફને સાથે રાખીને ગત મોડીરાત્રે પોલીસે દરોડો પાડ્યો હતો. ફાર્મહાઉસ માળિયાહાટિના, ગીર ખોરાસા ગામનો મેહુલ હરદાસભાઈ બારડ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસને ફાર્મ હાઉસ પરથી નશાની હાલતમાં હાથમાં પ્લાસ્ટિકના ગ્લાસમાં કેફી પીણું-પીતા -પીતા ડાન્સ કરતા યુવક-યુવતીની રંગીન પાર્ટી નજરે પડી હતી જેમાંથી રાજકોટમાં રહેતા મુકેશ નરશીભાઈ પણસારા, કેવલ અર્જુનભાઈ ચોવટિયા, દર્શન જગદીશભાઈ છત્રાળા મળી આવ્યા હતા.આ ત્રણેય રાજકોટવાસીઓ સાથે સુરતની વતની અને રાજકોટમાં રહેતી સીતા વિશાલ ગુપ્તા નામની યુવતી ઉપરાંત મોરબીથી આવેલા હરીશ જશવંતભાઈ ભેંસદડીયા રહે.રવાપર રોડ, મનિષ જીવણભાઈ રગીયા રહે.ખાનપર, ધવલ ખીમજીભાઈ ઘોડાસરા રહે.અવની ચોકડી અને મોરબીની આકૃતિ ઉર્ફે નિશા મેઘનાથી નામની યુવતી તેમજ અમદાવાદથી આવેલી નીરાલી સોલંકી, મમતા મીણા મળી ચાર સ્ત્રી અને સાત પુરુષોની 11ની ટીમ મોડીરાત્રે ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં પોલીસને હાથ લાગી આવી હતી. રાત્રિનો સમય હોવાથી નિયમ મુજબ ચારેય સ્ત્રીઓને નોટિસ આપીને પોલીસે મુક્ત કરી હતી. જ્યારે અન્ય સાત શોખીનોની ધરપકડ કરાઈ હતી.પોલીસને ફાર્મ હાઉસ પરથી મોંઘી બ્રાન્ડનો 28 બોટલ વિદેશી દારૂ તેમજ ફાર્મ હાઉસમાં રોકાવા આવેલા આ નબીરાઓ અને યુવતીઓ ચાર કારમાં આવી હોય પોલીસે લાખો રૂપિયાની આ ચાર કાર પણ કબજે લેવામાં આવી હતી. દરોડા સંદર્ભે પીઆઈ પી.સી.સરવૈયાના જણાવ્યા મુજબ રાજકોટ અને મોરબીનું ગ્રુપ અલગ-અલગ છે. બધા પોતાની રીતે ફાર્મ હાઉસ પર આવ્યા હતા અને રાત્રે ફાર્મ હાઉસ સંચાલકે મહેફિલની વ્યવસ્થા ગોઠવી દેતા બધાએ સાથે મળીને મહેફિલ માણી હતી. શુક્રવારે દિવસ દરમિયાન ચારેય યુવતીની પણ ધરપકડ કરવામાં આવી હતી. મુળ અમદાવાદની અને હાલ મોરબી રહેતી આકૃતિ ઉર્ફે નિશાનો જન્મદિવસ હોવાનું સામે આવ્યું છે. આકૃતિ ઉર્ફે નિશાએ તેની અમદાવાદ રહેતી બન્ને ફ્રેન્ડને ફરવા માટે બોલાવી હતી જ્યારે રાજકોટથી આવેલી યુવતી રાજકોટના ત્રણેય નબીરા સાથે આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.