ખેલ મહાકુંભ 3.0 ફેબ્રુઆરીમાં પૂર્ણ છતાં ઓગસ્ટમાં વિજેતાની યાદી મોકલાઈ : વર્ષ 2024ના વિજેતાઓ પૈકી 1800થી વધુ ખેલાડીઓ ઇનામથી વંચિત મોરબી : ગુજરાત સરકાર દ્વારા રમત-ગમત પ્રવૃત્તિને ઉતેજન આપવા રાજ્યભરમાં ખેલમહાકુંભ સ્પર્ધા યોજી વિજેતાઓને પ્રોત્સાહિત કરવા માટે કરોડો રૂપિયાના ઇનામ આપે છે પરંતુ સ્થાનિક કક્ષાએ ખેલાડીઓ સાથે રમત થઇ જતી હોવાથી ઉગતી પ્રતિભા એવા ખેલાડીઓને ઇનામની રકમ સમયસર ચુકવવામાં ન આવતી હોવાનું સામે આવ્યું છે. મોરબી જિલ્લામાં તાજેતરમાં યોજાયેલ ખેલમહાકુંભ 3.0 ઇવેન્ટ ફેબ્રુઆરીમાં પૂર્ણ થવા છતાં ઓગસ્ટ માસમાં વિજેતાઓની યાદી ગાંધીનગર મોકલતા સ્પર્ધાના સાત મહિના બાદ પણ પુરસ્કાર નથી મળ્યા, બીજી તરફ વર્ષ 2024માં યોજાયેલ ખેલમહાકુંભ 2.0ના વિજેતાઓના ચુકવણા પણ હજુ બાકી હોવાનું સામે આવ્યું છે.રાજ્યના રમત-ગમત વિભાગ દ્વારા રમત-ગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા દર વર્ષે જાન્યુઆરી માસમાં ખેલમહાકુંભ સ્પર્ધા યોજવામાં આવે છે જેમાં વર્ષ 2024માં મોરબી જિલ્લામાં કુલ 39 પ્રકારની અલગ -અલગ રમતોમાં 4626 ખેલાડીઓ જિલ્લા કક્ષાએ વિજેતા બન્યા હતા. જો કે, આશ્ચર્ય તો એ વાતનું છે કે, ખેલમહાકુંભ 3.0 યોજાઇને પૂર્ણ થવા છતાં મોરબી જિલ્લામાં ખેલમહાકુંભ 2.0 એટલે કે, 2024માં યોજાયેલ રમતોત્સવના પુરસ્કાર પણ હજુ સુધી ચુકવવામાં આવ્યા નથી. સામાન્ય રીતે આવા પુરસ્કાર સ્પર્ધા પૂર્ણ થયાના એકાદ બે માસમાં ચૂકવાઈ જતા હોય છે. પરંતુ મોરબી જિલ્લામાં ખેલાડીઓ સાથે રમત-ગમત અધિકારી રમત રમી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે.ખેલમહાકુંભ 2.0 એટલે કે વર્ષ 2024ના જિલ્લાકક્ષાના વિજેતાઓને પુરસ્કાર અંગેની વિગતો જાણવા મોરબી જિલ્લા રમત-ગમત અધિકારી રવિ ચૌહાણનો સંપર્ક કરતા છેલ્લા આઠ દિવસથી આજે વિગતો આપું કાલે વિગતો આપુ એવું જણાવી અંતે અધૂરી વિગતો જાહેર કરી હતી. રવિ ચૌહાણના જણાવ્યા મુજબ ખેલમહાકુંભ 2.0માં મોરબી જિલ્લા કક્ષાએ 4626 ખેલાડીઓ વિજેતા બન્યા હતા. જે પૈકી 2825 ખેલાડીઓને રૂપિયા 57 લાખ રૂપિયાના ચુકવણા થયા હોવાનું જણાવી બાકીના ખેલાડીઓ કેમ બાકી છે તે અંગેનો સચોટ જવાબ આપી શક્યા ન હતા. સાથે જ ખેલમહાકુંભ 3.0ના જિલ્લા કક્ષાના પુરસ્કાર અંગેની વિગતો પણ તેમની પાસે ઉપલબ્ધ ન હોય ગાંધીનગર કર્મચારી રજા પર હોય વિગતો મળતી ન હોવાના બહાના બતાવ્યા હતા.ખેલ મહાકુંભ 3.0ના વિજેતાઓની યાદી છેક ઓગસ્ટ માસમાં મોકલી મોરબી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા ખેલાડીઓને 2.0 રમતોત્સવના પુરસ્કાર હજુ નથી ચૂકવાયા તેવામાં આ વર્ષની શરૂઆત્તમા એટલે કે, જાન્યુઆરી-2025માં યોજાયેલ ખેલમહાકુંભ -3.0 ફેબ્રુઆરીમાં પૂર્ણ થયો હોવા છતાં પણ વિજેતાઓને ઇનામ ચૂકવવા માટેની યાદી છેક ઓગસ્ટ મહિનામાં મોકલી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2025માં મોરબી જિલ્લા કક્ષાએ 4878 ખેલાડીઓ વિજેતા થયા હતા. જો કે, આ ખેલાડીઓને કેટલી રકમ ચુકવવામાં આવશે તે અંગેની જાણકારી પણ રમત ગમત અધિકારી પાસે ન હોવાનું સામે આવ્યું છે.ખેલ મહાકુંભમાં જિલ્લા તાલુકા કક્ષાએ મળતા પુરસ્કાર કેટેગરી પ્રથમ દ્વિતીય તૃતીય તાલુકા કક્ષા 1500 1000 750જિલ્લા કક્ષા 5000 3000 2000શ્રેષ્ઠ શાળા 25,000 15,000 10,000ખેલ મહાકુંભમાં કઈ -કઈ રમતોનો સમાવેશ એથ્લેટિક્સ (દોડ, લોન્ગ જમ્પ, હાઈ જમ્પ, શોટ પુટ, વગેરે),બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, ફૂટબોલ, કબડ્ડી, ખો-ખો, ટેબલ ટેનિસ, ટેનિસ, સ્વિમિંગ, જૂડો, કુસ્તી, બોક્સિંગ, આર્ચરી, શૂટિંગ, વેઈટલિફ્ટિંગ, જિમ્નાસ્ટિક્સ, હોકી, હેન્ડબોલ, કરાટે, તાઈકવાન્ડો, ફેન્સિંગ, સ્કેટિંગ, સાયકલિંગ, ઘોડેસવારી, રેસલિંગ (દેશી કુસ્તી), યોગાસન, મલખંભ, પાવરલિફ્ટિંગ, સોફ્ટબોલ, ચેસ, ક્રિકેટ, બેઝબોલ, ટગ ઓફ વોર (દોરડાખેંચ), બેલેન્સિંગ, રોપ સ્કીપિંગ અને ટેનિકોઈટ તેમજ અન્ય દેશી રમતો સહિત કુલ 39 રમતોનો સમાવેશ થાય છે.