મોરબી: ગઈકાલે લાલબાગ સેવા સદનના ગેટ પર જ ગટરના પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ હતી. જે સમસ્યા મોરબી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા બ્રિજની કામગીરી દરમિયાન ડ્રેનેજની પાઇપ લાઈન તૂટી જવાના કારણે ઉભી થઈ હતી. ત્યારે મહાપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે. આ સમસ્યાના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતી. તેથી સમસ્યાની જાણ થતા જ ડ્રેનેજ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યું હતું. આખો દિવસ અને રાતના ચાર વાગ્યા સુધી સતત કામગીરી ચાલી હતી. જેસીબી મશીનનો ઉપયોગ કરીને નવી કનેક્શન લાઇન નાખવામાં આવી હતી અને પાણીનો પ્રવાહ ડાયવર્ટ કરીને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાઈ હતી. આ કામગીરી દરમિયાન ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ ઉપરાંત ડેપ્યુટી ઇજનેર પિયુષ મકવાણા અને આસિસ્ટન્ટ ઇજનેર નીરવ પટેલએ જાતે મોનિટરિંગ કરી કામગીરી સુપેરે પાર પાડી હતી.