પ્લોટ ધારકે ગેરકાયદેસર રીતે બિનખેતી કરાવી રસ્તો ન મુક્યો હોવાના સોસાયટીના રહીશોના આક્ષેપ : પોતાની પાસે પ્લોટની માલિકીના બધા પુરાવા છે અને સોસાયટીના રહીશો માલિકીની જગ્યામાં બિનઅધિકૃત પ્રવેશ કરતા હોવાનો પ્લોટના માલિકનો આક્ષેપમોરબી : મોરબીના રવાપર રોડ ઉપર યોગેશ્વરન્જ સોસાયટીમાં રસ્તા મુદ્દે સોસાયટીના રહીશો અને પ્લોટના માલિકો સામસામે આવી ગયા છે. જો કે બનાવ વણસે નહિ તે માટે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. સોસાયટીના રહીશો એવું કહી રહ્યા છે કે પ્લોટ ધારકે ગેરકાયદેસર રીતે જમીન બિનખેતી કરાવી રસ્તો મુક્યો નથી. જ્યારે પ્લોટના માલિક એવું કહી રહ્યા છે કે પ્લોટની માલિકીના તમામ પુરાવા છે. સોસાયટીના લોકો બિનઅધિકૃત રીતે પ્લોટમાં પ્રવેશ કરી રહ્યા છે.આ મામલે સોસાયટીના સ્થાનિક અનિલકુમાર બાબુલાલ ઉઘરેજાએ જણાવ્યું કે તેઓ યોગેશ્વરનગર સોસાયટીમાં રહે છે. આજુબાજુમાં 15થી 20 સોસાયટી આવેલી છે. જેમાં અંદાજે 1000 પરિવારો રહે છે. બધા લોકોને આવવા જવા માટે માત્ર એક જ રસ્તો છે. આના હિસાબે ટ્રાફિક થાય છે. પાણીનો કોઈ નિકાલ નથી. વરસાદમાં કેડ સમાં પાણી ભરાઈ છે. યોગેશ્વર સોસાયટીની બાજુમાં પરેશભાઈ તથા ભાગીદારોએ એગ્રીકલ્ચર જમીનનું ગેરકાયદેસર પ્લોટિંગ કરેલું છે. તેમને બિનખેતી માટે નકશો મુક્યો હતો. ત્યારે અમારી સોસાયટી દર્શાવી જ ન હતી. તેની બદલે સર્વે નંબર દર્શાવ્યા હતા. કોઈ પણ પ્રકારના એપ્રોચ આપ્યા વગર બિનખેતી કરાવી નાખી છે. સરકાર સમક્ષ માંગ છે કે આ ગેરકાયદેસર રીતે થયેલ બિનખેતી રદ કરે. એપ્રોચ રોડ મંજુર કરી નિયમોનુસાર બિનખેતી કરે. અહીં રસ્તો મળે અને પાણીનો નિકાલ થાય તેવી અમારી માંગ છે. અહીં જે દીવાલ હતી. તે ગાડી ભટકાતા પડી ગઈ હતી. બાકીની દીવાલ જર્જરિત હતી. કોઈ અણબનાવ ન બને એટલે બાકીની દીવાલ અમે ધક્કો મારી પાડી નાખી હતી. પ્લોટ ધારક ઝાહિરભાઈ લોખંડવાલાએ જણાવ્યું કે આ અમારી માલિકીની જગ્યા છે. અમારી પાસે તેના પુરાવા છે. આ સોસાયટીના લોકો અહીં અનઅધિકૃત રીતે પ્રવેશ કરે છે.ગઈકાલે અમે જ પહેલા પોલીસ ફરિયાદ કરી હતી. અમારી એક જ માંગ છે કે લોકો કોઈની માલિકીની જગ્યામાં પ્રવેશ ન કરે. પોલીસ બંદોબસ્ત આપે અને અમે અમારી દીવાલ બનાવી નાખીએ. અહીં જે દીવાલ હતી તે ગઈકાલે રાત્રે સોસાયટીના લોકોએ પાડી નાખી હતી.બીજી તરફ હાલ ઘટના સ્થળે એ ડિવિઝન પીઆઇ, પીએસઆઈ સહિતની પોલીસ ટિમ પહોંચી છે. ત્યારે સોસાયટીના લોકોએ જેસીબીની મદદથી રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી શરૂ કરી છે. સોસાયટીના લોકોનું કહેવું છે કે અમે રસ્તો ખુલ્લો કરવાના જ છીએ. જો આના માટે અમારી ધરપકડ થાય તો પણ મંજુર છે.