કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગ્રીન કવર વધારવા અને પર્યાવરણ જતન કરવા તેમજ સરકારની ઉપલબ્ધીઓની વાતો કરીમોરબી : મોરબીમાં મચ્છુ-2 ડેમના કાંઠે આજે 10 લાખ વૃક્ષો સાથેના મહાકાય વન કવચનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વેળાએ મંત્રી, સાંસદ તેમજ ધારાસભ્યો સહિતના નેતાઓ અને લોકોની બહોળી ઉપસ્થિતિ રહી હતી. મોરબીમાં મચ્છુ-2 ડેમના કાંઠે પાંજરાપોળની 110 એકર જગ્યામાં 10 લાખ વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી વન કવચ બનાવવામાં આવ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમના 500 થી વધુ કાર્યકર્તા દ્વારા દિવસ રાત મહેનત કરીને માત્ર 37 દિવસમાં આટલા વૃક્ષોનું વાવેતર કરવામા આવ્યું છે. આજે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે આ વન કવચનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ છે. 10 લાખ વૃક્ષો સાથેનો વન કવચનું લોકાર્પણ કરીને વડાપ્રધાનને સૌથી મોટી શુભેચ્છા મોરબીથી અપાઈ છે.વિકાસની સાથે પર્યાવરણ સુરક્ષા જરૂરી છે. આપણે અન્ય સુવિધાઓ સાથે ગ્રીન કવર વધારતા જવાનું છે. વધુમાં વધુ વરસાદનું પાણી વધુ સંગ્રહ કરીએ. આપણી પાસે વિઝનરી લીડરશિપ છે. તેનો ભરપૂર લાભ મળી રહ્યો છે. અત્યારે ગુજરાતમાં ગ્રીન કવર વધ્યું છે. જંગલ સિવાય અત્યારે 300 હેકટર વિસ્તારમાં 207 વન કવચ તૈયાર થયા છે. 1143 ચો.કિ.મિ. વન આવરણ વધવાના કારણે ગુજરાત આખા દેશમાં નંબર વન ઉપર છે.ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પાંજરાપોળની કિંમતી જમીન ઉપર શુ કરવું એ અમે ટ્રસ્ટીઓએ નક્કી કર્યું. લોકોને ફરવા માટે અને પર્યાવરણ માટે આ જમીનનો ઉપયોગ થાય એનાથી સારી વાત બીજી શુ હોય શકે. આમાં પાંજરાપોળને એક રૂપિયાનો ખર્ચ થયો નથી. આ વન કવચ ફરવાના સ્થળ તરીકે વિકસે એના માટે 50 ટકા ખર્ચ મોરબી ભોગવશે અને બીજો 50 ટકા મુખ્યમંત્રી આપે તેવી આ મંચ ઉપરથી માંગ કરૂ છું. વધુ મોરબીના ઉદ્યોગપતિઓને અપીલ છે કે બહાર ખૂબ દાન આપ્યું, હવે બે વર્ષ મોરબીમાં ધ્યાન આપજો. આ સમારોહમાં મંત્રી મુળુંભાઈ બેરા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જયંતિ કવાડીયા તેમજ સદભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.