મિતાણાથી લઈ મોરબી અને મકનસરથી લઈ સુરજબારી પુલ સુધી સેવાની સુવાસ પ્રસરીમોરબી : દર વર્ષે આસો નવરાત્રિ દરમિયાન કચ્છમાં બિરાજતા આશાપુરા માતાજીના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ દેશભરમાંથી સેંકડો કિલોમીટરની પદયાત્રા કરી શ્રધ્ધાપૂર્વક શીશ ઝુકાવતાં હોય છે. જો કે, આ વર્ષે સૌરાષ્ટ્રમાંથી કચ્છ માતાના મઢ જતા યાત્રિકોની સંખ્યમાં વધારો જોવા મળ્યો છે ત્યારે છેલ્લા ચારથી પાંચ દિવસથી મોરબી પંથકમાં પદયાત્રિકો માટે શરૂ થયેલા સેવા કેમ્પો ધમધમતા થયા છે. મોરબી જિલ્લામાં અંદાજે 40થી 50 જેટલા સેવા કેમ્પ કાર્યરત છે જ્યાં પદયાત્રીકોને રહેવા, જમવા, આરોગ્ય તેમજ અન્ય સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.કચ્છના કુળદેવી દેશદેવીમાં આશાપુરા માતાજીના દર્શન માટે દર વર્ષે ભાવિકો ભાદરવા માસના શ્રાદ્ધપક્ષમાં પદયાત્રા શરૂ કરી પ્રથમ અથવા બીજા નોરતે માતાજીના દર્શન કરતા હોય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓમાંથી કચ્છની વાટ પકડે છે. જેમાં મોરબી જિલ્લો કચ્છનું પ્રવેશદ્વાર હોવાથી તમામ ભક્તો મોરબી જિલ્લામાંથી પસાર થાય ત્યારે સેવાભાવી લોકો પદયાત્રીકોની સેવા કરી પુણ્યનું ભાથું બાંધતા હોય છે.દરવર્ષની જેમ આ વર્ષ પણ મોરબી જિલ્લામાં આશરે 40થી 50 જેટલા સેવા કેમ્પો કાર્યરત થયા છે જેમાં ટંકારા તાલુકાના મિતાણાથી લઈને શકત શનાળા તેમજ સુરજબારી પુલ સુધીના માર્ગ સુધી તેમજ વાંકાનેર -કચ્છ હાઇવે ઉપર મકનસર, માળીયા મિયાણા, હરીપર કેરાળા, માણાબા, દાદાશ્રીનગર, નાગડાવાસ સહિતના વિવિધ સ્થળોએ સેવાભાવીઓ દ્વારા ચા-પાણી, નાસ્તો, જમવાનું, આરામ કરવા માટે રહેવાની વ્યવસ્થા, તેમજ આરોગ્ય સંબંધિત સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સંપૂર્ણ યાત્રામાર્ગ પર શ્રદ્ધાળુઓની ભક્તિભાવના અને સેવાભાવીઓની સેવા યાત્રાને વધુ પાવન બનાવી રહી છે.કુવાડવાના સાયપરના વૃદ્ધ દંપતીની અનોખી ભક્તિયાત્રાકુવાડવાના સાયપર ગામના 75 વર્ષના માલધારી દંપતી છેલ્લા 7 વર્ષથી કચ્છ ખાતે આવેલ માં આશાપુરાધામ માતાના મઢ સુધી પગપાળા યાત્રા કરે છે. દર વર્ષે આ દાદા-દાદી શ્રાદ્ધપક્ષમાં ભક્તિયાત્રા શરૂ કરે છે જેમાં દરરોજ 30-40 કિમીનું અંતર કાપી વિવિધ સેવા કેમ્પનો લાભ લઈ નવ દિવસે માતાના મઢ ખાતે પહોંચે છે. વૃદ્ધાવસ્થામાં પણ દંપતિની ભક્તિભાવ સાથેની પદયાત્રા પ્રેરણારૂપ છે.સેવા કેમ્પમાં તમામ પ્રકારની સુવિધામાતાના મઢ કચ્છની 300 કકિલોમીટર જેટલી યાત્રાએ જતા ભાવિક ભક્તોની સેવા માટે મોરબી પંથકમાં અંદાજે 40 થી 50 કેમ્પ શરૂ થયા છે. જેમાં પદયાત્રીકોને ચા પાણી નાસ્તો, જમવાની વ્યવસ્થાની સાથે કોઈપણ ભાવિક બીમાર પડે કે અન્ય કોઈ શારીરિક મુશ્કેલી હોય તો તબીબી સેવા ઉપરાંત થાક ઉતરી જાય તે માટે ગરમ પાણીની વ્યવસ્થા તેમજ આરામ માટે આરામ દાયક પલંગ, ગાદલા, ઓશિકાની સેવા આપવામાં આવે છે. સાથે જ અનેક શ્રદ્ધાળુઓ હરતા ફરતા સેવા કેમ્પમાં પદયાત્રીકોને ઠંડા પીણા, પાણી, છાસ, ફ્રૂટ સહિતની સેવા પણ આપી રહ્યા છે.