મોરબી : શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલીત 10 લાખ વૃક્ષોના ભારતના સૌથી મોટા વનકવચ લોકાર્પણ કાર્યક્રમના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ માહિતી આપતા જણાવ્યું છે કે, સવારે કાર્યક્રમ શરૂ થવાનો હતો તે હવે બપોર બાદ શરૂ થશે.ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, આવતીકાલે 17-09-2025 ને બુધવારના રોજ વનકવચ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સમયમાં ફેરફાર થયો હોય તેઓ બપોરે 12 વાગ્યાના બદલે 3 વાગ્યે મોરબી પધારશે અને 4 વાગ્યા સુધી આ કાર્યક્રમમાં હાજરી આપશે. જેથી આ કાર્યક્રમમાં જોધપર પટેલ બોર્ડિંગ પાસે 2 થી 4 વાગ્યા સુધી સભા યોજાશે. ત્યારબાદ 4 થી 5:30 વાગ્યે સમૂહ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. જેમાં એક સાથે 10,000 લોકો વૃક્ષારોપણ કરશે. આ કાર્યક્રમ પૂર્ણ થયે 5:30 થી 7:00 વાગ્યા સુધી પટેલ બોર્ડિંગ ખાતે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ કાર્યક્રમમાં પધારવા સર્વે મોરબી વાસીઓને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.