કાંતિ જ્યોત સોસાયટી બોરના ખારા પાણી અને વેચાતા ટાંકા ઉપર નિર્ભર : બે દિવસમાં પાણીની વ્યવસ્થા કરી દેવાની લેખિત ખાતરી મળશે પછી જ આંદોલન સમેટવાની જાહેરાતમોરબી : મોરબીમાં જન આંદોલનો ફરી શરૂ થવા લાગ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આજે સાંજના સમયે મહેન્દ્રનગર ચોકડી પાસે પાણી પ્રશ્ને કાંતિજ્યોત સોસાયટીના સ્થાનિકોએ ચક્કજામ કર્યો છે. મહાપાલિકા બે દિવસમાં પાણીની વ્યવસ્થા કરી દેવાની લેખિત ખાતરી આપશે પછી જ આંદોલન સમેટાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.મોરબીમાં અગાઉ જન આંદોલનો થયા બાદ મહાપાલિકા તંત્રએ યુદ્ધના ધોરણે વિવિધ કામગીરીઓ કરતા થોડા સમય માટે જન આંદોલનો ઉપર બ્રેક લાગી હતી. તેવામાં આજે ફરી મહેન્દ્રનગર ચોકડી પાસે મહિલા સહિતના સ્થાનિકોએ જન આંદોલન છેડીને રોડ ઉપર ચક્કાજામ કર્યો છે. સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે કાંતિ જ્યોત સોસાયટીમાં 44 ટાવર છે. એક ટાવરમાં 24 ફ્લેટ છે. બીજી બધી સોસાયટીમાં પાણી આવે છે. અમારી સોસાયટીમાં 3 વર્ષથી પાણી આવતું નથી. અમે બોર કર્યા છે તેમાંથી થોડું થોડું થોડું ખારૂ પાણી ઉપયોગમાં લઇ શકીએ છીએ. અથવા તો ટાંકા લેવા પડે છે. વધુમાં અહીં બસ સ્ટેન્ડ નથી. રોડ પણ સરખા નથી. અંતમાં સ્થાનિકોએ જણાવ્યું કે મહાપાલિકા દ્વારા બે દિવસમાં પાણીની વ્યવસ્થા કરવાની ખાતરી આપવામાં આવશે. ત્યારબાદ જ ચક્કાજામ હટાવવામાં આવશે.