ગેરકાયદેસર દબાણ દૂર કરવા, ગંદકી સાફ કરવા, બંધ કરાયેલો રસ્તો ફરીથી ખુલ્લો કરવા તેમજ નવી આંગણવાડી બનાવવા સામાજિક કાર્યકરોની માંગમોરબી : મોરબીના વજેપર વિસ્તારમાં શેરી નં. ૨૩ માં આવેલા એક સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ અને દૂષણના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, ગિરીશભાઈ કોટેચા જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ તેમજ અન્ય રહેવાસીઓ દ્વારા આ મુદ્દે કમિશનર, કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે, જેમાં તાત્કાલિક પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ, જાહેર પ્લોટમાં ભૂંડ પકડવાનો ધંધો કરતા અમુક તત્વોએ ગેરકાયદેસર રીતે વાડો બનાવીને ત્યાં ભૂંડ રાખ્યા છે. જેના કારણે ભારે ગંદકી અને દુર્ગંધ ફેલાય છે, જે રોગચાળો ફેલાવવાનું મુખ્ય કારણ બની શકે છે.આ ઉપરાંત આ દબાણની બાજુમાં જ એક આંગણવાડી કેન્દ્ર પણ આવેલું છે. આ આંગણવાડી જર્જરિત હાલતમાં છે અને ગંદકીના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે. આંગણવાડીના બાળકો આ બીમારીઓનો ભોગ ન બને તે માટે તેને અન્ય જગ્યાએ ખસેડવાની ફરજ પડી શકે છે.વધુમાં જણાવ્યું છે કે વજેપર શેરી નં. ૨૩ થી શેરી નં. ૨૨ તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે લોકોને ભારે અગવડતા પડી રહી છે.રજૂઆતમાં તંત્ર આ ગેરકાયદેસર દબાણ તાત્કાલિક દૂર કરે, ભૂંડને અન્ય જગ્યાએ ખસેડે અને ગંદકી સાફ કરાવે. આ ઉપરાંત, બંધ કરાયેલો રસ્તો ફરીથી ખુલ્લો કરાવવામાં આવે. સ્થાનિકોએ અગાઉ પણ આ મામલે કલેક્ટરને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પગલાં લેવાયા ન હોવાથી ફરીથી રજૂઆત કરવામાં આવી છે.