અઠવાડિયા સુધી તપાસ ચાલુ રહેવાની શક્યતામોરબી : મોરબીના અગ્રણી સિરામિક ઉદ્યોગપતિ તેમજ તેમની સાથે જોડાયેલ બિલ્ડર સહિતના લોકોને ત્યાં મંગળવારે પરોઢથી શરૂ થયેલ દરોડા મોડી રાત્રી સુધી યથાવત રહ્યા હોવાની વિગતો સામે આવી છે. આઇટીના દરોડામાં ત્રણ કરોડની રોકડ મળ્યાની પ્રાથમિક વિગતો સામે આવી છે. જો કે, હજુ સુધી ઇન્કમટેક્સ દ્વારા સતાવાર કોઈ જ વિગતો જાહેર કરવામાં આવી નથી.પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે વહેલી પરોઢે રાજકોટ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોરબીના જાણીતા લીવા, લેવીસ સિરામિક ગ્રુપ, ઈડન હિલ ગ્રુપ, મેટ્રો ગ્રુપને ત્યાં તેમજ બિલ્ડરો અને તેમની સાથે જોડાયેલી આંગડીયા પેઢીને ત્યાં દરોડા પાડયા હતા. આ દરોડામાં રાજકોટ ઉપરાંત ઇન્કમટેક્સની અમદાવાદ અને સુરતની ટીમો પણ જોડાઈ હતી. ઇન્કમટેક્સના આ દરોડામા મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ સાથે કનેક્શનને પગલે રાજકોટમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને કુલ 40 સ્થળોએ તપાસ ચાલુ હોવાનું અને 150 જેટલા અધિકારીઓ દ્વારા સર્ચ શરૂ કરવામાં આવતા પ્રાથમિક તબક્કે ત્રણેક કરોડથી વધુની રોકડ મળી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.ઇન્કમટેક્સની તપાસ દરમિયાન ઉદ્યોગપતિઓ અને જમીન મકાનના ધંધાર્થીઓને ત્યાં તપાસમાં કેટલાક શંકાસ્પદ વ્યવહાર મળી આવતા જુના બસસ્ટેન્ડ નજીક આવેલ આંગડિયા માધવ મગન આંગડિયા પેઢી સુધી તપાસ લંબાતા ત્યાં પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઇન્કમટેક્સ વિભાગના સૂત્રોના મતે સામુહિક દરોડાની આ કાર્યવાહી હજુ એકાદ અઠવાડીયા સુધી ચાલુ રહે તેવી સાંભવના વ્યક્ત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, દરોડાની કાર્યવાહી ગુપ્ત રહે તે માટે આઇટીની ટીમોને દરોડા પહેલા અમદાવાદ લઈ જવાઈ હોવાનું અને ત્યાંથી મોરબી આવ્યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.