પતિ સાથે ઝઘડો કરી નીકળેલ મહિલાનું કાઉન્સેલિંગ કરી સમજાવટથી સમાધાન કરાવાયુંમોરબી : મોરબીમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે પતિના ત્રાસથી પીડાઈને ઘર છોડી દેનાએ એક મહિલાને તેની એક વર્ષની દીકરી સાથે તેના ઘરે પરત મોકલી હતી. મહિલા તેના પતિના મારઝૂડ અને શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને બે દિવસ પહેલાં ઘર છોડીને નીકળી ગઈ હતી. જેનું પતિ સાથે સમાધાન કરાવી પુનઃ મિલન કરાવાયું છે.૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસે બસ સ્ટેન્ડ પર એક મહિલા પોતાની નાની દીકરી સાથે રડતી હાલતમાં બેઠી હોવાનો કોલ ૧૮૧ અભયમ હેલ્પલાઇનને મળ્યો હતો. મહિલા કોઈ પણ સવાલનો જવાબ આપતી ન હતી અને ખૂબ ગભરાયેલી હતી. આ કોલ મળતાં જ ૧૮૧ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જેમાં કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠીવાર અને પાયલોટ નિખિલભાઈ ઠક્કરનો સમાવેશ થતો હતો. ટીમે મહિલાને શાંત પાડીને તેની સાથે વાતચીત કરી. મહિલાએ જણાવ્યું કે તે મૂળ મધ્ય પ્રદેશની છે અને છેલ્લા કેટલાક વર્ષોથી મોરબીમાં એક ટાઈલ્સ કંપનીમાં કામ કરી રહી છે. તેના પતિ નિયમિત રીતે કેફી દ્રવ્યોનું સેવન કરીને તેની સાથે મારઝૂડ અને ગેરવર્તન કરતા હતા, તેમજ ઘરખર્ચ માટે પૈસા પણ આપતા ન હતા. આ ત્રાસથી કંટાળીને તે દીકરી સાથે ઘર છોડીને નીકળી ગઈ હતી.૧૮૧ની ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરીને તેને સમજાવ્યું કે આવી પરિસ્થિતિમાં ઘર છોડીને જવું એ યોગ્ય નથી અને કાયદેસરના માર્ગે લડી શકાય છે. ત્યારબાદ, ટીમે મહિલાના પતિનો સંપર્ક કર્યો અને તેમને પણ સમજાવ્યું કે મહિલા સાથે મારઝૂડ કરવી, અપશબ્દો બોલવા અને શારીરિક-માનસિક ત્રાસ આપવો એ કાયદાકીય રીતે ગુનો છે. ટીમે તેમને પુત્રીનું પણ ધ્યાન રાખવા અને કેફી દ્રવ્યોથી દૂર રહેવાની સલાહ આપી હતી.લાંબી સમજાવટ બાદ, મહિલા તેના પતિ સાથે પરત જવા માટે રાજી થઈ. તેણે ભવિષ્યમાં ક્યારેય ઘર છોડીને નહીં જવાનો સંકલ્પ લીધો. આ સમાધાનથી સંતુષ્ટ થઈને મહિલાના પતિએ ૧૮૧ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો. આમ, ૧૮૧ અભયમ ટીમે એક વિખરાતા પરિવારને ફરીથી એક કર્યો.