રોડની ખરાબ હાલતને કારણે વાહનચાલકોને પડી રહી હતી હાલાકી, આંદોલનની ચીમકી બાદ રીપેરીંગ કામ શરૂ થતાં વાહનચાલકોમાં હાંશકારોટંકારા : રાજકોટ- મોરબી હાઇવેની ઘણા સમયથી ખરાબ હાલત હતી. તેવામાં તંત્રને થયેલી રજૂઆતોને પગલે ટંકારામાં આ હાઇવે ઉપર પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેને લઈને વાહનચાલકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે. આ મુદ્દે જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય મહેશ રાજકોટિયાએ તંત્રને એક અઠવાડિયામાં પેચ વર્ક નહિ કરે તો રસ્તા રોકો આદોલન કરવાની ચિમકી આપી હતી. જેના પગલે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક કામ શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. પરિણામે, રોડ પર પેચવર્કનું કામ આજથી જ શરૂ થયું છે. આ રોડ, જે રાજકોટ અને મોરબીને જોડે છે. તાજેતરના વરસાદ અને અયોગ્ય જાળવણીને કારણે ખાડાઓ અને તિરાડોથી મગરની પિઠ જેવો બની જતા વાહન ચાલકોને આ રોડ પરથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડતી હતી. જેના કારણે અકસ્માતોનું પણ જોખમ વધી ગયું હતું. રોડ અંગેની રજૂઆતને પગલે રાજકોટ વિભાગના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક નોટિસ જારી કરી હતી. કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હેઠળના કામને પોતાના ખર્ચે પૂર્ણ કરો અન્યથા કડક કાર્યવાહી થશે. જેથી આજે બપોર બાદ ટંકારાથી પેચવર્કનું કામ શરૂ થયું છે. જેમાં ખાડાઓ ભરવા, સપાટીને સમતલ કરવાના કામો કરવામાં આવી રહ્યા છે.