ટંકારા : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવની મગફળી ખરીદી માટે અરજી કરવામાં આવી છે. આ અરજીમાં ખેડૂતોના મગફળી વાવેતરના તલાટી કમ મંત્રીના દાખલા પુરાવા તરીકે ઉમેરવામાં આવ્યા છે, તેમ છતાં સરકાર દ્રારા સેટેલાઈટ સર્વે કરવાની નીતિ અમલમાં મૂકાઈ છે. સેટેલાઈટ સર્વે ભૂતકાળમાં જમીન માપણીમાં ખામી સર્જી છે. જો આવી જ ખામી મગફળી વાવેતર સર્વેમાં થશે તો ખેડૂતોની અરજી રદ થવાની સંભાવના વધી જશે. આથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થવો નિશ્ચિત છે. તેથી ટંકારા આમ આદમી પાર્ટી દ્વારા ટંકારા મામલતદાર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.આમ આદમી પાર્ટી ટંકારા તરફથી મામલતદારને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, સેટેલાઈટ સર્વે તરત જ બંધ કરવો જોઈએ, ખેડૂતોને માત્ર તલાટી કમ મંત્રીના મગફળી વાવેતરના દાખલા આધારે જ ટેકાના ભાવનો લાભ આપવો જોઈએ, જો સેટેલાઈટ સર્વે ચાલુ રહેશે અને ખેડૂતોની અરજી રદ થશે તો આમ આદમી પાર્ટી– ટંકારા ખરીદી કેન્દ્ર બંધ કરાવશે, સાથે જે તે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસર પગલાં ભરવા માટે લડત શરૂ કરવામાં આવશે, ખેડૂતોના હક્ક માટે આમ આદમી પાર્ટી– ટંકારા અંતિમ શ્વાસ સુધી લડત આપશે. તેથી તમામ મુદ્દા પર તાત્કાલિક પગલાં લેઈને ખેડૂતોને ન્યાય મળે તેવી રજૂઆત ટંકારા આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા જણાવાયું છે.